ભરૂચ

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ નજીક મોડી સાંજે એક લક્ઝરી બસે પલ્ટી મારતા ૬ થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થતા તમામ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કરજણ તરફ થી આવતી એક લક્ઝરી બસ આમોદ તાલુકાના સરભાણ નજીક અચાનક ડ્રાઈવર નો સ્ટેયરિંગ પરનો કાબૂ ન રહેતા બસે પલ્ટી મારી હતી.અકસ્માતમાં સવાર મુસાફરો પૈકી ૬ થી વધુ ને નાની મોટી ઈજા પહોંચતા તમામને ૧૦૮ ઈમરજન્સી સેવા મારફતે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

વાગરા થી ટૂર ઓપરેટર દ્વારા પ્રવાસીઓને રાજસ્થાન લઈ જવાયા હતા જ્યાં હરી ફરીને બસ પરત આવી રહી હતી ત્યારે સાંજના સમયે આમોદ તાલુકાના સરભાણ નજીક અકસ્માત નડ્યો હતો.અકસ્માતને પગલે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.બસમાં સવાર અન્ય મુસાફરો સહી સલામત હોવાના સમાચાર સાંપડ્યા છે.જોકે સદ્દનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.