ગોધરા, તા.૧ 

કોવિડ-૧૯ કટોકટીને ધ્યાનમાં રાખીને વધુ લોકો ભેગા થઈ સંક્રમણનો ભોગ ન બને તે માટે પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકાની મામલતદાર કચેરી દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. યોજનાકીય લાભો સહિતની વિવિધ સેવાઓ માટે લોકો મામલતદાર કચેરીએ આવે અને સંક્રમણનું જોખમ ઉભુ થાય તેના કરતા શક્ય તેટલી સુવિધાઓ ઘરેબેઠા પૂરી પાડવાનું વિચારી એક નવીન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જે અંતર્ગત ગંગાસ્વરૂપ સહાય યોજના, વૃદ્ધ સહાય-વય વંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભ તેમજ આ યોજનાઓના નાણા એકાઉન્ટમાં આવ્યા કે કેમ જેવી પૃચ્છાઓની માહિતી લાભાર્થીઓને ઘરે બેઠા આપવામાં આવી રહી છે. મોરવા મામલતદાર પરેશ પટેલ જણાવે છે કે જે-તે ગામના વી.સી.ઈ. કે મધ્યાહન ભોજન સંચાલક આ યોજનામાં સમાવવા પાત્ર થતા લાભાર્થીના ઘરે જઈ ફોર્મમાં વિગતો ભરાવી, જરૂરી દસ્તાવેજો મેળવી તલાટીના સહી-સિક્કા કરાવી મામલતદાર કચેરીએ પહોંચાડે છે. અરજી મળ્યા બાદ એક દિવસમાં હુકમ તૈયાર કરી આ માટે વિશેષરૂપથી બનાવેલ ગ્રુપમાં મૂકવામાં આવે છે. સંબંધિત ગામના વી.સી.ઈ. આ હુકમની પ્રિન્ટ કાઢી જે-તે લાભાર્થીના ઘરે જઈ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે તેનું વિતરણ કરે છે તેમજ વિતરણ થયાનો ફોટો ગ્રુપમાં મૂકે છે. લાભાર્થીના બેલેન્સ સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો તેની વિગતો ચકાસી સ્ક્રિનશોટ લઈ વોટ્‌સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે. જે વી.સી.ઈ. લાભાર્થીને પહોંચતી કરે છે. ગ્રામજનો ખાતામાં સહાયની રકમ આવી કે કેમ સહિતની બાબતો જાણવા, સહાયના હુકમો મેળવવા, અરજી કરવા કચેરીએ આવી રહ્યા હતા. જેથી સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને ગામના વી.સી.ઈ. તેમજ એમડીએમ સંચાલકની મદદ લઈ એક વોટ્‌સએપ ગ્રુપ ઉભુ કરી અમુક સેવાઓ ઘરેબેઠા પહોંચતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સમગ્ર પ્રક્રિયામાં લાભાર્થીએ ઘર બહાર જવાની જરૂર પડતી નથી.