આણંદ : કોંગ્રેસ દ્વારા આણંદ જિલ્લા પંચાયતોની ૪૨ બેઠકો તેમજ આણંદ, પેટલાદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજિત્રા, તારાપુર અને ખંભાત તાલુકા પંચાયતો માટેના ઉમેદવારો મોટાભાગે નક્કી કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસમાં મોટાભાગે રીપિટ થિયરી અપનાવવામાં આવશે તેવો આશારો પણ કરી દેવામાં આવ્યો છે. એકાદ-બે દિવસમાં સત્તાવાર યાદી બહાર પાડવામાં આવે તેવી શક્યતા પણ છે.

સૂત્રોનું જણાવવું છે કે, બીજી તરફ આણંદ જિલ્લાની પાંચ પાલિકાના ઉમેદવારોની સ્ક્રૂટીની કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગત વખતે કોંગ્રેસે આણંદ જિલ્લા પંચાયત સહિત એકમાત્ર ખંભાત તાલુકા પંચાયત સિવાય સાતેય તાલુકા પંચાયતો પર કબજાે કર્યો હતો. આણંદના ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસની જબરદસ્ત પકડ છે. જાેકે, ઉમરેઠ તાલુકા પંચાયતમાં બળવો થતાં કોંગ્રેસે તાલુકા પંચાયત ગુમાવવાનો વખત આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઓલમોસ્ટ નક્કી કરી લેવામાં આવ્યાં છે.

સૂત્રોનું કહેવું છે કે, આણંદ જિલ્લા પંચાયતોમાં નવું સીમાંકન અમલી બનતાં કેટલીક બેઠકોમાં ફેરફાર થતાં હવે કેટલાંક દિગ્ગજાેની સીટો બદલાશે, પણ ટિકિટ તો નક્કી છે. બીજી તરફ ભાજપ દ્વારા ત્રણ ટર્મથી ચૂંટાતા, ૬૦ વર્ષથી વધુની ઉંમર અને પદાધિકારીઓના સગાંઓને ટિકિટ નહીં આપવાના નવી નીતિથી ભાજપના કેટલાંક મોટા માથાઓ કપાઈ જવાના છે.

જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારે વધુમાં કહ્યું હતું કે, સ્થાનિક કક્ષાએ ઉમેદવારોની પસંદગી અંગે આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરીને મોટાભાગે નામો નક્કી કરી દઈને તેઓને જાણ પણ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયતોની બેઠકોમાં ફેરફારો થયાં છે, જેને લઈને કેટલાંક નેતાઓની બેઠકો બદલવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

કોંગ્રેસમાં પણ યુથ બ્રિગેડને આગળ કરવામાં આવશે

કોંગ્રેસમાં પણ આ વખતે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈને પણ મહત્વ આપીને તેઓને પણ ટિકિટ ફાળવણીમાં મહત્વ આપીને ૫૦ ટકા યુવા ચહેરાંની પસંદગી કરવામાં આવી છે.