પાદરા-વડોદરા, તા.૧૫

પાદરાના મોટા અંબાજી તળાવમાં મોડી સાંજે માતા અને તેના બે સગીર વયના પુત્રોએ એક સાથે તળાવમાં છલાંગ લગાવતા દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલા નગરપાલિકાના પ્રમુખ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેઓએ સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં ડુબી ગયેલા માતા-પુત્રોને બેભાનવસ્થામાં બહાર કાઢ્યા હતા જેમાં ત્રણેયના મોત નિપજયા હતા.

પાદરાના લતીપુરા ગામે વણકર વાસમાં પત્ની અને બે પુત્રો સાથે રહેતા રતિલાલ ઉર્ફે રાકેશ વાઘેલા વડોદરા માણેજાની ખાનગી કંપનનીમાં નોકરી કરે છે. આજે સાંજના સમયે તેમની પત્ની ૩૭ વર્ષીય રશ્મિકાબેન તેઓના બંને સંતાનો ૧૨ વર્ષીય દક્ષ અને ૧૦ વર્ષીય રૂદ્ર સાથે પાદરાના અંબાજી મંદિર ખાતે આવેલ મોટા તળાવ કિનારે આવી હતી અને ત્યારબાદ માતા અને બંને સંતાનોએ એક સાથે તળાવમાં પડતું મુક્યું હતું. આ ઘટનાને જાેતા જ તળાવ કિનારે હાજર લોકો અને પાદરા નગર પાલિકા સંચાલિત અંબાજી તળાવના સિક્યુરીટી ગાર્ડે બચાવ માટે બુમરાણ મચાવી હતી. જાેકે કોઈ મદદ મળે તે અગાઉ માતા અને બંને પુત્રો તળાવના પાણીમાં ઉંડાણમાં ગરકામ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવેલા નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યોએ સ્થાનિક તરવૈયાની મદદથી માતા અને બંને પુત્રોને બેભાનવસ્થામાં બહાર કાઢ્યા હતા.

બીજીતરફ આ બનાવની જાણ થતાં તળાવ કિનારે આવી પહોંચેલી ૧૦૮ એમ્બ્યુલન્સના મેડિકલ સ્ટાફે પ્રાથમિક તપાસ કરી હતી જેમાં માતા અને બંને પુત્રો મૃત અવસ્થામાં હોવાનું જાહેર કરતા ચકચાર મચી હતી. માતા અને બંને પુત્રોના મોત નિપજયા હોવાની જાણ થતાં પાદરા પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાદરા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

આર્થિક સંકડામણ કે ગૃહક્લેશ કારણભૂત ?

 પાદરાના લતીપુરા ગામે રહેતા રતિલાલ વાઘેલાના બંને પુત્રો પાદરાની એક ખાનગી શાળામાં ધોરણ પાંચ અને સાત માં અભ્યાસ કરતા હતા. જાેકે રતિલાલની પત્નીએ તેના બંને સંતાનો સાથે તળાવમાં મોતની છલાંગ લગાવવાની ઘટનામાં ગૃહક્લેશ ? આર્થિક સંકળામણ? કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવની જાણ થતાં રશ્મિકાબેનના પિયરિયાઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા છે. તેઓની પુછપરછ બાદ સાચી વિગતો સપાટી પર આવશે તેમ પોલીસે જણાવ્યું છે.