આણંદ : આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ સામે વેક્સિનેશનનું શસ્ત્ર ઉગામવામાં આવશે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે શરૂ કરેલાં સરવેમાં આણંદ જિલ્લામાં પણ યુદ્ધના દોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોના અટકાવવા માટે દરેક નાગરિક સુધી વેક્સિન પહોંચાડવાના ભગીરથ કાર્યનો આરંભ કરી દેવાયો છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદ જિલ્લામાં બુથ મુજબ સરવેની કામગીરી શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લાની કુલ અંદાજે ૧૮ લાખની વસતિમાંથી સરેરાશ ૬થી ૬.૫૦ લાખ લોકો ૫૦થી વધુ ઉંમરના હોવાનો અંદાજ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઘરે ઘરે ફરીને સરવે હાથ ધરવામાં આવ્યો છે. બુથ વાઇઝ ૧૮૦૦થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી આ ભગીરથ કાર્ય યુદ્ધ ધોરણે હાથ ધરાયું છે.

સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, છેલ્લાં એક અઠવાડિયાથી વિવિધ ટીમ જિલ્લાના ગામે ગામ ફરીને સૌથી પહેલાં ૫૦ વર્‌,થી વધુ ઉંમરના નાગરિકોની નોંધણી કરી રહી છે. મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર બીએલઓ અને સુપરવાઇઝરના મોનિટરિંગ હેઠળ ડેટા એન્ટ્રી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ડેટા એકત્ર કરવા માટે એક બુથ પર ચાર વ્યક્તિની ટીમ બનાવી હતી. બીએલઓ હેલ્થ વર્કરો સહિતની ટીમ ઘરે ઘરે ફરીને મતદાન યાદી મુજબ ૫૦ વર્ષની ઉપરના નાગરિકોના નામની નોંધણી કરાવી રહ્યાં છે. આ ડેટા પ્રથમ તબક્કામાં આપનારાં વેક્સિન માટે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં સૂત્રોનું કહેવું છે કે, અત્યાર સુધી આણંદ જિલ્લામાં લગભગ ૭૦ ટકા કામગીરી પૂરી કરી લેવામાં આવી છે. આણંદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં વેક્સિન માટેના ડેટા એકત્ર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આણંદ જિલ્લામાં આજે ડેટા એન્ટ્ર્‌ીની કામગીરી પૂરી થઈ જશે તેવો અંદાજ લગાડવામાં આવ્યો છે. ત્યારબાદ આ ડેટા ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે. રાજ્ય સરકારના આદેશ અનુસાર સૌ પ્રથમ કોરોના વોરિઅર્સ એવા તબીબો, હેલ્થ વર્કર્સ, નર્સ અને સરકારી કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. એ પછી ૫૦ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે ૫૦ વર્ષથી નીચેના એવાં નાગરિકોને ફણ વેક્સિન આપવામાં આવનાર છે જેઓ ગંભીર બીમારીથી પીડાતાં હોય. આ ગંભીર બીમારીમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાપરટેન્શન, કેન્સર વગેરે બીમારીઓ સામેલ છે.

વહીવટી તંત્રના સૂત્રોનું કહેવું છે કે, આણંદ જિલ્લામાં વેક્સિન માટેનો સરવે લગભગ પૂરો થવામાં છે. હાલ આશરે ૬ લાખથી વધુ લોકોને પ્રથમ તબક્કામાં વેક્સિનેશન કરવું પડે તેવાં આંકડાઓ સામે આવ્યાં છે. એવું કહી શકાય કે, રાજ્યકક્ષાએથી પરિપત્ર આવ્યાં પછી જિલ્લાનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરીમાં જાેતરાઈ ગયું હતું. કેન્દ્ર સરકારની સૂચના મુજબ કોરોના વેક્સિન ઉપલબ્ધ થયાં પછી તાત્કાલિક ધોરણે પ્રથમ તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓએ અને ૫૦ વર્ષથી નીચેની પણ ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

વેક્સિનનો ડોઝ કેવી રીતે આપવો તે માટેની તાલીમ પણ આપવામાં આવી

વેક્સિનનો ડોઝ કેવી રીતે આપવો તે માટેની તાલીમ પણ હાલમાં આણંદ જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. એકબાજુ નાગરિકોનો ડેટાબેઝ બની રહ્યો છે અને બીજી તરફ વેક્સિનની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે.

વેક્સિનનો પૂરવઠો ગામડાંઓ સુધી કઈ રીતે પહોંચાડવો તેની તાલીમ પણ શરૂ

આ ઉપરાંત સરકાર તરફથી વેક્સિનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યાં પછી તેને ગામડાંઓ સુધી કઈ રીતે પહોંચાડવો અને તેમાં શું-શું તકેદારી રાખવી તેની અલગથી તાલીમ આપવામાં આવી રહી છે. આમ તો આપણે ત્યાં ચાલતાં વિવિધ રસીકરણની વ્યવસ્થા મુજબ જ કોરોનાની રસી આપવામાં આવશે.

સૌથી પહેલાં કોને કોરોના વેક્સિન લગાવવામાં આવશે?

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં કોવિડ-૧૯ માટે વેક્સિન એડમિનિસ્ટ્રેશન પર નેશનલ એક્સપર્ટ ગ્રૂપ (NEGVAC)ની રચના કરી હતી.

આ ગ્રૂપે જ નક્કી કર્યું છે કે, કોવિડ-૧૯નું વેક્સિનેશન કેવી રીતે આગળ વધશે? વેક્સિન ખરીદવાની પ્રક્રિયા શું હશે, વેક્સિનની પસંદગી કેવી રીતે થશે, વેક્સિનની ડિલીવરી કેવી રીતે થશે અને ટ્રેકિંગ મિકેનિઝમ શું હશે? NEGVAC ભલામણોના આધારે, શરૂઆતના ફેઝમાં ત્રણ ગ્રૂપ્સને સૌથી પહેલાં વેક્સિનેટ કરવામાં આવશે.

ક્યા ત્રણ ગ્રૂપ્સને પહેલાં વેક્સિન આપવામાં આવશે?

૧.એક કરોડ હેલ્થકેર વર્કર્સઃ તેમાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલાં કામ કરતાં તમામ કર્મચારી સામેલ હશે.

૨.બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સઃ તેમાં કેન્દ્ર અને રાજ્યોની પોલીસ, આર્મ્‌ડ ફોર્સેસ, હોમગાર્ડ્‌સ, સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વોલેન્ટિયર્સ, મ્યુનિસિપલ વર્કર્સ સામેલ હશે.

૩. ૨૭ કરોડ નાગરિકો ઃ આ એવાં લોકો છે જેમની ઉંમર ૫૦ વર્ષ અથવા તેનાંથી વધારે છે. આ ઉપરાંત ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો જે હાઇ-રિસ્ક કેટેગરીમાં આવે છે, એટલે કે જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા અન્ય બીમારીઓ છે, તેમને પણ પહેલાં વેક્સિન આપવામાં આવશે.

જિલ્લા સ્તરે કેવી રીતે વેક્સિનેશનની સિસ્ટમ કામ કરશે?

ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ (DTF) જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં કામ કરશે. ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ પણ હશે, જે સતત કામ કરશે. આ ઉપરાંત સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર BDOની અધ્યક્ષતામાં બ્લોક ટાસ્ક ફોર્સ (DTF) પણ હશે, તે બ્લોક લેવલ પર વેક્સિનેશન માટે કામ કરશે.