વડોદરા,તા.૪   

વડોદરા મહાનગર પાલિકા દ્વારા કિશનવાડી ખાતે નવિન અર્બન હેલ્થ સેન્ટરનું ઇ-લોકાર્પણ, ધરમપુરા ક્વાર્ટસના લાભાર્થીઓને દસ્તાવેજ સુપ્રત કરવાનું કામ તથા મ્યુનિ. સભાસદો માટે “મ્યુનિસિપલ સેક્રેટરી એપ”નો શુભારંભ મેયર ડૉ.જિગીષાબેન શેઠના હસ્તે પાંચમી નવેમ્બરને ગુરૂવારના રોજ સવારે અગિયાર કલાકે સ્થાયી સમિતિ રૂમ, ખંડેરાવ માર્કેટ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમને લઈને પાલિકાના સેક્રેટરી ચિંતન દેસાઈના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના નાગરિકો, કાઉન્સિલરો અને અન્યોને તમામ મિટિંગો અને સેક્રેટરી વિભાગને લગતી માહિતી એપ પર ઉપલબ્ધ બનાવવામાં આવશે. જેથી નાગરિકોને એક આંગળીના ટેરવે જરૂરી માહિતી ઉપલબ્ધ બની રહે. આ પ્રકારની એપ લાંબા સમયથી સુરત મહાનગર પાલિકામાં કાર્યરત છે. એની નકલ કરવાને બદલે વડોદરાની જરૂરિયાત મુજબની એપ બનાવવાને માટે પાલિકાના આઇટી ડિપાર્ટમેન્ટને જણાવવામાં આવ્યું હતું. તેમજ પૂરક માહિતી અને જરૂરિયાતની વિગતો પુરી પાડીને એપ તૈયાર કરવામાં આવી છે. એમાં જેમ જેમ જરૂરિયાત લાગશે એમ એમ જરૂરી સુધારા વધારા કરવા ઉપરાંત ફ્રેન્ડલી એપ બનાવવાના તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. જેથી સામાન્ય પ્રજાને પણ આ એપ જરૂરી માહિતી મેળવવાને માટે ઉપયોગી બની રહે. પાલિકાની સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની મીટિંગોની જાણકારી, એજન્ડા સહિતની વિગતો એપ પરથી સરળતાથી ઉપલબ્ધ બની રહેશે. તેમજ આને માટે વિવિધ પક્ષોના અને સમિતિઓ ઉપરાંત તમામ કાઉન્સીલરોના ગ્રુપ બનાવીને તેઓને આ એપની સાથે જોડી દેવામાં આવશે. જેથી તેઓને ફોન પર એની તમામ પ્રકારની માહિતીઓ ઉપલબ્ધ બની રહે. આ ઉપરાંત જુના સૂચના પાત્રો કે એજંડાઓ પણ એક ક્લિક કરતા તારીખ મુજબ મળી રહે એવી પણ વ્યવસ્થા ઉભી કરાશે. આગામી દિવસોની મીટીંગોમાં આનો અમલ કરાશે. આ ઉપરાંત પાછલી તારીખોના ડેટાનો પણ એમાં ક્રમશઃ સમાવેશ કરવામાં આવશે. જેથી કોઈને જુના રેફ્રન્સથી કોઈ વિગતો જોઈતી હોય તો એ ગમે ત્યાંથી વિગતો મેળવીને જોઈ શકશે.