વડોદરા,તા.૨૩  

અમદાવાદ મહાનગર પાલિકાએ પાલિકા સંચાલિત અને ખાનગી હોસ્પિટલોને માટે પૂરતા પ્રમાણમાં ટોસીલીઝુમેબ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ બનાવ્યો છે.ત્યારે આ બાબતે વડોદરા પાલિકાના આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલને પૂછતાં તેઓએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લઈને ભેદી વલણ અપનાવતા શહેરના કોરોનાના દર્દીઓને માટે શાસકો અને આરોગ્ય અમલદાર દુર્લક્ષ સેવતા હોવાની લાગણી જોવા મળી રહી છે. વડોદરા પાલિકાએ અમદાવાદ મહાનગર પાલિકાની માફક કોરોનાના ઈન્જેક્શનોની સરળ ઉપ્લબ્ધીની બાબતમાં હાથ ઉંચા કરી દીધા હતા.એ સંજોગોમાં જ્યારે આ વિકટ સ્થિતિમાં પ્રજાની પડખે રહેવાને બદલે પીઠ બતાવતા શહેરના શાસકોએ હાથ ખંખેર્યા,તો વિપક્ષે શાસકોને ખંખેર્યા હતા. પરંતુ એને લઈને એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કે બે પાડાની લડાઈ વચ્ચે કોરોનાની મહામારીમાં શહેરીજનોનો વગર વાંકે મરો થઇ રહ્યો છે.અમદાવાદ પાલિકાના કમિશ્નર આઈએએસ ડો.ઓમ પી.મછરાએ પાલિકા દ્વારા કોવિદ -૧૯ની સ્થિતિમાં બહુલક્ષી પગલાઓ લીધા છે. જેના ભાગરૂપે પાલિકા ઉપરાંત ૫૦ ખાનગી હોસ્પિટલોને હસ્તગત કરીને કોરોનાની સારવાર અપાઈ રહી છે.જ્યા આઈસીએમઆરની નિર્દેશિકા મુજબ સારવાર અપાય છે.જેમાં કોરોનાના દર્દીને શરીરમાં ઓક્સિજન ઓછું હોય,શ્વાશની તકલીફ હોય કે લોહીના ખરાબ રિપોર્ટ હોય એ સંજોગોમાં દર્દીઓને માટે જરૂરી એવા ટોસીલીઝુમેબ ઇન્જેક્શનનો પૂરતો જથ્થો પાલિકાના સેન્ટ્રલ સ્ટોર્સમાં ઉપલબ્ધ બનાવ્યો છે.જે પાલિકાની હોસ્પિટલો અને હસ્તગત હોસ્પિટલોના દર્દીઓને વિના મુલ્યે અપાશે.આ ઉપરાંત ખાનગી કોવિદ હોસ્પિટલના દર્દીઓને પણ રિપ્લેશમેન્ટ ધોરણે આપવાની વ્યવસ્થા ગોઠવી છે.જેની સામે વડોદરા આ દિશામાં પગલાં લેવા શૂન્યમસ્ક છે.

પાલિકા અમદાવાદની માફક સ્ટોર ઉભો કરી શકે કે કેમ?એ બાબતે કમિશ્નર સાથે વાત કરીશઃસાંસદ રંજન ભટ્ટ

વડોદરાના સંસદ અને શહેર ભાજપના પ્રમુખ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે,અમદાવાદની માફક વડોદરા પાલિકા સ્ટોર ઉભો કરી શકે કે કેમ?એ બાબતે પાલિકાના કમિશ્નર સાથે વાતચીત કરીશ.સરકાર તરફથી વડોદરાની સયાજી,ગોત્રી,પારુલ,મેટ્રો અને સુમનદીપ હોસ્પિટલોમાં આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ઇન્જેક્શન માલ્ટા નથી એવી ફરિયાદો આવે છે.એ સંજોગોમાં ડો.દેવેશનું ધ્યાન દોરી આ બાબતમાં લાયેઝન કરીને જરૂરિયાતમંદોનું લિસ્ટ મંગાવી કાર્યવાહી કરાય એવી સગવડ કરાશે.

ચાર ચાર માસ સુધી વડોદરા પાલિકા કુંભકર્ણની નિંદ્રા માનતી રહીઃ પ્રશાંત પટેલ

વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું કે,કોરોનાની મહામારીના ચાર ચાર માસ સુધી વડોદરા પાલિકા કુંભકર્ણની નિંદ્રા માનતી રહી છે,અને હવે આગ લાગી ત્યારે કૂવો ખોદવા નીકળયા જેવી વાત બની છે.હવે ટેસ્ટિંગ કરવા નીકળ્યા એના કરતા પહેલા આ કરવા જેવું હતું.રાજ્ય સરકારે આખા રાજ્યમાં અમદાવાદના મોડલ જેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.જેથી ગામડાના નાના નાના માણસોને હેરાનગતિ થાય નહિ.સાચા આંકડા જાહેર કરવા જોઈએ.એ પછીથી મૃતકોના હોય કે પોઝિટિવ દર્દીઓના.શહેરમાં કોરોનાના બેડ ન હોય.ટેસ્ટિંગ પૂરતા પ્રમાણમાં થતા ન હોય એનાથી મોટી કરુણતા શું હોઈ શકે?અમદાવાદ સુવિધા આપી શકે તો વડોદરા કેમ નહિ?એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

માનવજાતની કિંમત ઘણી મોટી છે:ભથ્થુ

વડોદરા પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુએ જણાવ્યું હતું કે,શાસક પક્ષ કે વિપક્ષ કરતા માનવજાતની કિંમત મોટી છે.વડોદરા પાલિકામાં શાસકોનો અધિકારીઓ ઉપર કોઈપણ પ્રકારનો અંકુશ નથી.જેને લઈને તેઓ નિરંકુશ બન્યા છે. મનપાની નાગરિકોની આરોગ્યની સંભાળ રાખવાની જવાબદારી બને છે.ત્યારે આ ઇન્જેક્શન સરળતાથી ઉપલબ્ધ બને એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

અહો આશ્ચર્યમ! એએમસીના નિર્ણયની મને ખબર નથીઃમેયર ડો.જિગીષાબેન શેઠ

વડોદરા પાલિકાના મેયર ડો.જિગીષાબેન શેઠે જણાવ્યું હતું કે,અમદાવાદ પાલિકાના નિર્ણયની મને જાણ નથી.વડોદરા પાલિકાની પોતાની કોઈ હોસ્પિટલ નથી.તેમ છતાં આ બાબતે હું મેડિકલ ઓફિસરને પૂછી જોઇશ.પાલિકા દ્વારા સરકાર સમક્ષ ડિમાન્ડ મુકવાની હોય છે.ત્યાંથી આ ઇન્જેક્શન સપ્લાય થાય છે.સ્ટોક આવે એ પ્રમાણે રાજ્યમાં વહેંચાય છે.