નવી દિલ્હી 

કોરોનાને કારણે ભારતમાં છેલ્લા આઠ મહિનાથી ડોમેસ્ટિક ક્રિકેટ ઉપર અર્ધવિરામ મુકાઈ જવા પામ્યું છે. જો કે હવે આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થઈ જવા પામ્યા છે ત્યારે ઘરેલું ક્રિકેટને પણ શરૂ કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આગામી 20 જાન્યુઆરીથી ભારતમાં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેની સામે ટૂર્નામેન્ટની ટોચની ટીમ સૌરાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ સહિત છ ટીમોએ વાંધો વ્યક્ત કરતાં આ ટૂર્નામેન્ટને ડિસેમ્બરની જગ્યાએ જાન્યુઆરીમાં આયોજિત કરવા અનુરોધ કર્યો છે. જો ડિસેમ્બરમાં આ ટૂર્નામેન્ટ રમાડવામાં આવશે તો તેમને તૈયારીઓ કરવાનો પૂરતો સમય મળશે નહીં તેવું કારણ પણ આપવામાં આવ્યું છે. ક્રિકેટ બોર્ડના એક સિનિયર અધિકારીએ કહ્યું કે સૌરાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, કેરળ, ઓરિસ્સા અને મેઘાલયની ટીમે ક્રિકેટ બોર્ડને એક પત્ર મોકલ્યો છે જેમાં લખ્યું છે કે મુશ્તાક અલી ટ્રોફી જાન્યુઆરીમાં રમાડવી જોઈએ. બોર્ડે તાજેતરમાં જ ક્રિકેટ એસોસિએશને ચાર વિકલ્પો આપ્યા હતા જે પૈકી એક ઉપર પસંદગી કરવા કહ્યું હતું.

આ વિકલ્પમાં માત્ર રણજી ટ્રોફી અથવા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો વિકલ્પ પણ સામેલ હતો.બે અન્ય વિકલ્પ મુશ્તાક અલી અને વિજય હઝારે ટ્રોફી અથવા મુશ્તાક અલી ટ્રોફી અને રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ રમાડવાના હતા. બોર્ડે સ્ટેટ ક્રિકેટ એસો.ને લખેલા પત્ર અનુસાર મુશ્તાક અલી ટ્રોફી માટે 22 ડિસેમ્બર (20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી)ની જરૂર પડશે જ્યારે રણજી ટ્રોફીને 67 તેમજ વિજય હઝારે ટૂર્નામેન્ટ માટે 28 દિવસની જરૂર જણાવી હતી.

હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ) માટે હરાજી જાન્યુઆરીમાં થવાની પૂરી સંભાવના છે જેથી મુશ્તાક અલી ટ્રોફી બોર્ડ માટે પ્રાથમિકતા હશે કેમ કે તેનાથી પ્રતિભાશાળી અનકેપ્ડ ખેલાડીઓ શોધવામાં મદદ મળે છે. કોવિડ-19ને કારણે દેશમાં હાલની પરિસ્થિતિઓમાં મોટાભાગના રાજ્યો માટે પોતાની શિબિર આયોજિત કરવી સંભવ નહોતી. ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ કહ્યું કે ઘણા રાજ્યો પોતાના ખેલાડીઓ માટે ટ્રેનિંગ શરૂ કરી રહ્યા છે અને અમુક ક્રિકેટ એસો.એ તો પોતાના કોચ અને પસંદગી સમિતિઓને નિયુક્ત પણ કરી લીધા છે એટલા માટે મુશ્તાક અલી ટ્રોફી જાન્યુઆરીમાં રમાડવી ઉચિત ગણાશે જેથી કરીને ટીમને તૈયારી માટે આખા મહિનાનો સમય મળી શકે.