લોકસત્તા વિશેષ : વોર્ડ નંબર ૧૬માં આજે મળેલી વેક્સિનેશન અંગેની સંગઠનની બેઠક પૂર્વે ગત ચૂંટણીમાં હારનો સામનો કરનાર ભાજપના પરાજીત ઉમેદવાર નરેશ રબારીએ વોર્ડના જ મંત્રી રાકેશ વણઝારાને બેફામ ગાળો ભાંડતા ચકચાર મચી હતી. એટલું જ નહીં આ બેઠકમાં હાજરી આપવા માટે વોર્ડની મહિલાઓ પણ ત્યાં આવતી હતી તેઓની ઉપસ્થિતિની મર્યાદા પણ રાખવામાં આવી નહતી. ત્યારે હાર્યો જુગારી જેમ બમણું રમે તેમ વોર્ડ નંબર ૧૬ના હારેલા ઉમેદવાર નરેશ રબારીનું આ વર્તન ચૂંટણીની હારની દાઝ હતી કે પછી બીજું કોઈ કારણ તેને લઈને ભાજપમાં જ ચર્ચાઓ શરૃ થઈ છે.

કોર્પોરેશનની ગત ચૂંટણીમાં ટીકીટની ફાળવણીથી લઈ ચૂંટણી પ્રચાર દરમ્યાન હરીફ ઉમેદવાર સાથે ઘર્ષણના મુદ્દે વિવાદમાં આવેલા નરેશ રબારી આજે વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. અત્યાર સુધી વોર્ડ નંબર ૧૬ને કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરી હોબાળો મચાવનાર ભાજપના પરાજીત ઉમેદવારે પોતાના જ પક્ષના વોર્ડ હોદ્દેદારને ગાળો ભાંડતા ચકચાર મચી ગઈ છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર વોર્ડ નંબર ૧૬માં આજે શહેર મંત્રી અને વોર્ડ પ્રભારી મેહુલ લાખાણીની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક શરૃ થાય તે પૂર્વે ત્યાં ઉપસ્થિત નરેશ રબારીએ વોર્ડ મંત્રી રાકેશ વણઝારાને બેફામ ગાળો આપવાનું શરૃ કર્યું હતું. આ સમયે ત્યાં શહેર સંગઠનમાંથી આવેલી મહિલાઓ ઉપસ્થિત હોવા છતાં તેઓની હાજરીની પરવા કર્યા વગર તમામ મર્યાદાઓ ચૂકીને ગાળાગાળી ચાલુ રાખતા આ સમયે ત્યાં ઉપસ્થિત અન્ય કાર્યકરો અને વોર્ડ આગેવાનોએ મામલો શાંત કરાવ્યો હતો.

શું નરેશ રબારી સામે કોઈ કાર્યવાહી કરાશે?

વોર્ડ નંબર ૧૬માં ભાજપની ટિકીટ પર ચૂંટણી લડી હારનો સામનો કરનાર નરેશ રબારી દ્વારા મહિલાઓની હાજરીમાં કરાયેલા બિભત્સ શબ્દ પ્રયોગના મુદ્દે વોર્ડમાં જ નારાજગી જાેવા મળી રહી છે. આ અંગે વર્ષોથી ભાજપમાં જાેડાયેલા સંનિષ્ઠ કાર્યકરોમાં આ મામલે નરેશ રબારી સામે કોઈ કાર્યવાહી કરાશે કે કેમ? તેને લઈને અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

મેહુલ લાખાણી ઘટના અંગે અજાણ કે ચૂપ?

વોર્ડ નંબર ૧૬ના પ્રભારી તરીકે શહેર ભાજપ મંત્રી મેહુલ લાખાણી આજે બેઠકમાં હાજરી આપવા માટે ગયા હતા. જ્યાં નરેશ રબારી સાથે મંત્રી રાકેશ વણઝારા પણ ઉપસ્થિત હતા. ત્યારે આ ઘટના અન્ય મહિલા આગેવાનો અને વોર્ડના હોદ્દેદારોની હાજરીમાં બની હોવા છતાં મેહુલ લાખાણીએ સમગ્ર ઘટના અંગે ચૂપકીદી સેવી લેતા અનેક અટકળો વહેતી થઈ છે.

મારા આવતાં પહેલાં વિવાદ થયો હતો ઃ વોર્ડ મહામંત્રી

વોર્ડ ૧૬માં બનેલી ઘટના અંગે લોકસત્તા જનસત્તાએ વોર્ડના હોદ્દેદારોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા વોર્ડ મહામંત્રી વિક્રમ ડાભી સાથે વાતચીત થઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુંકે આ ઘટના તેઓના બેઠકમાં પહોંચતા પહેલા બની હતી. આ વિવાદ થયો ત્યારે વોર્ડ પ્રમુખ ઠક્કરભાઈ અને સિનિયર મહામંત્રી ભૂરસિંગભાઈ ત્યાં હાજર હતા તેમ તેઓએ ઉમેર્યું હતું. જાેકે આ મામલે ભૂરસિંગભાઈને પૂછતાં તેઓએ કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.