ઝઘડિયા, ગુજરાતી મહાસુદ સાતમને શુક્રવાર તા.૧૯.૨.૨૧ના રોજ રથસપ્તમી. આ દિવસે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. અમરકંટકથી લઈ ભાડભુત સુધીના નર્મદાના દરેક ધાર્મિક સ્થળોએ નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.માં રેવાના ઉદગમ સ્થાન અમરકંટકથી શિવજીના પ્રસ્વેદથી ઉતપન્ન થઈ અને પ્રવાહ રૂપે વહી સમસ્ત લોકનું કલ્યાણ કરનારીમાં ભગવતી રેવા ઉભય તટને અનેક તીર્થો આપનારીમાં નર્મદા જ્યંતીનો ઉત્સવ લોકો હજારો વર્ષોથી ઉજવી‌ રહયા‌ છે. કલીકાળમાં પણ નર્મદા સર્પાકારે વહેશે એમ શાસ્ત્રનુ વિધાન છે. ભરૂચ જિલ્લામા ઝગડીયા મઢી પર પણ આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ૧૯૮૦ પછી જગદીશ મહારાજનું આગમન થયું ત્યારથી ઝગડીયા મઢી ખાતે અવિરત પરિક્રમાવાસીને ભોજન અને નિત્ય રામ ધૂન, અખંડ રામાયણના પાઠ થાય છે.‌ આજરોજ નર્મદા જયંતી નિમિત્તે ઝઘડિયા મઢી નર્મદા મંદિર ખાતે શ્રદ્ધાભેર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ઝઘડિયાના ગણપતસિંહ પરમારના પરિવારજનો દ્વારા પરંપરાગત રીતે નર્મદા જયંતી નિમિત્તે હવન, મહાઆરતી, નર્મદા પૂજન-અર્ચન તથા કુવારીકા ભોજન અને પૂજન કરવામાં આવ્યું હતું ઝઘડિયા, રાણીપુરા, ઉચેડીયા, મોટાસાજા, લીંબોદરા વિગેરે ગામોમાંથી શ્રદ્ધાળુઓ નર્મદા જયંતી ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.