કેવડીયા-

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે હતાં. સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની બાજુમાં મહિલા અને બાળ સશક્તિકરણ વનના ઉછેર માટે વૃક્ષારોપણ કર્યું હતું. સહી પોષણ દેશ રોશનના સૂત્રને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલી રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ પરિષદના પ્રારંભ  પરિષદમાં ભાગ લેવા આવેલા વિવિધ રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ વૃક્ષારોપણમાં જોડાયા હતા. રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મૂંજપરા, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા અને મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ પોષણ વાટિકાના ઉછેર માટે રોપા વાવ્યા હતાં. આ મહિલા અને બાળ સશક્તિકરણ વનને સમગ્ર દેશ માટે પોષણ વાટિકાનું મોડેલ બનાવીને દેશના તમામ રાજ્યોમાં મહિલા અને બાળ પોષણને વેગ આપવા આ પ્રકારની પોષણ વાટિકાઓ ઉછેરવાની પ્રેરણા આપવામાં આવશે. આ પોષણ વાટિકા હેઠળ વન વિભાગ દ્વારા પોષણ વર્ધક અને આરોગ્ય સંવર્ધક 151 વૃક્ષો ઉછેરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વનસ્પતિ સંપદા દ્વારા પોષણ જાગૃતિ ઉદ્યાન ઉછેરનો આ પ્રયોગ દેશના રાજ્યો માટે એક મોડલ બની રહે એવી અપેક્ષા છે. કેવડિયાના નાયબ વન સંરક્ષક પી. જે.પંડ્યાએ જણાવ્યું કે આ પરિષદ સ્મૃતિ વનમાં સરગવો, કેસૂડો, જમરૂખ, સીતાફળ, આંબા અને રાયણ જેવા ફળાઉ, પોષણ આપતા અને ઔષધીય ઉપયોગી વનસ્પતિઓ ઉછેરવામાં આવશે.