વડોદરા, તા.૧૭

વડોદરાના સમા ઇન્ડોર કોમ્પલેક્સ ખાતે રમાઈ રહેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મંગળવારે ગુજરાતના માનવ પંચાલની યૂથ બોયઝ અંડર-૧૩ કેટેગરીમાં શાનદાર આગેકૂચ અટકી ગઈ હતી તે ક્વાર્ટર ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના રિત્વિક ગુપ્તા સામે તેનો ૦-૩થી પરાજય  થયો હતો.અમદાવાદનો ૧૨ વર્ષીય માલવ રાજ્યનો એકમાત્ર ખેલાડી હતો જે મેઇન ડ્રો બાદ ટકી રહ્યો હતો કેમ કે સમર્થ શેખાવત, માનવ મહેતા, દાનિયા ગોદીલ, મૌબિની ચેટરજી અને  જિયા ત્રિવેદી પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા.

અંડર-૧૫ કેટેગરીમાં ગુજરાતના આયુષ તન્ના, હિમાંશ દહિયા, પ્રાથા પવાર, રિયા જયસ્વાલ, મૌબિની ચેટરજી, જિયા ત્રિવેદી તથા નિધી પ્રજાપતિ અનુક્રમે બોયઝ અને ગર્લ્સ કેટેગરીના મેઇન ડ્રોમાં પ્રવેશ્યા હતા પરંતુ માત્ર સુરતના આયુષ તથા અમદાવાદની પ્રાથા દ રાઉન્ડ ઓફ ૬૪ની આગળ નીકળી શક્યા હતા.

દરમિયાન આયુષે રાઉન્ડ ઓફ ૩૨માં પ્રવેશવા માટે તનિશ પેન્ડસેને ૩-૦ (૧૧-૩,૧૧-૬,૧૧-૭)થી હરાવ્યો હતો. ઇન્ટરનેશનલ મેડલ વિજેતા પ્રાથાએ તીવ્ર રસાકસીભરી મેચમાં બંગાળ-એ ટીમની જિત્સા રોયને ૩-૨ (૧૦-૧૨,૧૧-૫,૯-૧૧,૧૧-૯,૧૨-૧૦)થી હરાવીને આગેકૂચ કરી હતી.

દિલ્હીના આયુષી સિંહા સામે નિધીને પરાજય થયો હતો તો તામિલનાડુની એમ. અનાયાએ જિયાને ૦-૩થી અને બી. રીના (તામિલનાડુ)એ મૌબિનીને ૦-૩થી હરાવી હતી.

દરમિયાન ઉત્તર પ્રદેશના વીર બાલ્મિકીએ અંડર-૧૧ ટાઇટલ જીતી લીધું હતું. તેણે શાનદાર પ્રદર્શન કરીને મહારાષ્ટ્રના પ્રતિક તુલસાનીને ૩-૦થી હરાવ્યો હતો તો બંગાળ-એ ટીમની સતુર્યા બેનરજીએ ગર્લ્સ અંડર-૧૧ ટાઇટલ જીતવા માટે તનિષ્કા કાલભૈરવ (કર્ણાટક)ને ૩-૧ થી હરાવી હતી.