સુરત

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે. ભાજપને ૯૩ બેઠક પર અને આપને ૨૭ બેઠક જીતવામાં સફળતા મળી છે.

જ્યારે વોર્ડ નંબર ૧,૬,૮,૧૦,૧૪,૧૧,૧૨,૧૫,૧૮,૧૯,૨૧,૨૨,૨૩,૨૪,૨૫,૨૭ અને ૨૯માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર ૨,૩,૪,૫,૧૬ અને૧૭માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. વિપક્ષી નેતા પપન તોગડીયાની હાર થઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ હારની જવાબદારી સ્વિકારીને શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં સ્પષ્ટ રીતે ભાજપ વિજયી થયું છે. પાલિકા પર ભાજપનો ભગવો અકબંધ રહેવાનો હોય તેમ ઈવીએમમાંથી એક પછી એક કમળ રૂપી ઉમેદવારો વિજયી થતાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્‌યાં હતાં. મતગણતરી સ્થળ બહાર જ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.

ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ ઉજવતાં એકબીજાના મોં મીઠા કરાવ્યાં હતાં. સાથે જ પોતાના ઉમેદવારને શુભકામના પાઠવી હતી. કાર્યકરોએ ચૂંટણી અગાઉ પોતાના ઉમેદવાર માટે કરેલી મહેનતના પરિણામે ઉમેદવારો જીત્યા હોવાથી ખુશી વ્યક્ત કરી હતી.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ ભાજપ સામે મેદાનમાં હતી. જેથી તેનો સીધો ફાયદો ઉઠાવવામાં ભાજપ સફળ થયું હોય તેમ બેઠકોમાં વધારે ફરક પડ્યો નથી. આપ અને કોંગ્રેસની લડાઈમાં ભાજપનો કિલ્લો અકબંધ રહ્યો છે. કોરોના સંક્રમણ ચૂંટણી પછી વધી રહ્યું હોવા છતાં તમામ પાર્ટીના કાર્યકરો અને આગવેના મતગણતરી સ્થળ પર અને બહાર માસ્ક વગર જાેવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતાં તમામ કાર્યકરો અને ઉમદવારોએ ફોટો સેશન પણ કરાવ્યું હતું.