11, એપ્રીલ 2025
બોડેલી |
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટાઘોડા ગામના ખેડૂત અને ફાર્મર માસ્ટર ટ્રેનર કંચનભાઈ ધનજીભાઈ રાઠવા રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોને ધ્યાને લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવી અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરે છે.
પ્રાકૃતિક કૃષિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, આત્મા પ્રોજેક્ટના અધિકારી સાથે અમારી મુલાકાત થઈ ત્યાંથી પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મળી હતી. આત્મા પ્રોજેક્ટ દ્વારા અમને ખેડા ખાતે દેથલી ગામમાં ત્રણ દિવસિય સેમીનારમાં પ્રાકૃતિક કૃષિ વિશે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ શું છે? તે કેવી રીતે કરાય તેની સમજ આપવામાં આવી હતી,
પહેલા ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બહુ કરતા હતા જેથી જમીન દૂષિત થઈ હતી.છેલ્લા ત્રણ વર્ષથી અમે ઘનજીવામૃત, બીજામૃત, જીવામૃત નો ખેતીમાં ઉપયોગ કરવાનું શરૂઆત કર્યું હતું. અત્યારે મારા ખેતરમાં ચોમાસાની અંદર રોપણી વાળી ડાંગર કરું છું અને એના પછી હું મકાઈનું વાવેતર કરું છું. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામથી જમીન ફળદ્રુપ બની છે. એક દેશી ગાયથી ૩૦ એકર ખેતી કરી શકાય છે.
પહેલા ખેતી કરતા અઢી એકર જમીનમાં અંદાજે ૩૫ હજારનો ખર્ચ દવા-ખાતર, ખેડાણ અને મંજૂરીમાં થઈ જતો હતો. પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ત્યારથી અમને નહિવત ખર્ચ થાય છે. જે કંઈ જ વસ્તુની જરૂર હોય તે મળી જતી હોવાના કારણે ઓછા ખર્ચમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને નફો પણ સારો દેખાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન પાક પોતાના કુટુંબ માટે વાપરું છું. આ વર્ષે મારે ચોમાસેની સીઝનમાં ડાંગરની રોપણી કરી હતી જેમાં ૨૫ થી ૩૦ મણનો ઉતારો મળ્યો હતો. આ વખતના મકાઈમાં ૪૦ મણ જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે. ગુજરાત સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ ખર્ચ માટે માસિક ૯૦૦ રૂપિયા મળે છે. ખેડૂતોને સંદેશ આપતા કંચનભાઈ જણાવે છે કે, દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરે એ જ મારો ઉદ્દેશ છે.