વડોદરા, તા ૬

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૮ બેઠકો માટે આજે ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો.આમ ઇતિહાસમાં પ્રથમ વખત હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ બેઠકો ભાજપના ફાળે જતા વિરોધ પક્ષ વગર શિક્ષણ સમિતીનુ નવુ બોર્ડ બનશે.ઉલ્લેખનિય છે કે, અગાઉ ચાર બેઠક બીન હરિફ થઈ હતી.

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ૭૬ પૈકી ૬૯ બેઠકો મેળવી ભવ્ય વિજય થયા બાદ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિની ૧૨ બેઠકો માટે ૧૩ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા.જાેકે, મેટ્રીક્યુલસ વિભાગની ૩ અને અન.જાતિ વિભાગની એક બેઠક બીન હરીફ જાહેર થઈ હતી. જ્યાપે સામાન્ય વિભાગની ૮ બેઠકો માટે કોંગ્રેસના એક અને ભાજપના ૮ એમ ૯ ઉમેદવારો મેદાનમાં હતા.આજે પાલિકાના સયાજીરાવ સભાગૃહ ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના તમામ ૭૬ કોર્પોરેટરોએ મતદાન કર્યા બાદ બપોરે ૩-૩૦ વાગે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આંઠ ઉમેદવારનો વિજય થયો હતો.ભાજપના ૬ ઉમેદવારોને ૬૯ મત તેમજ બે ઉમેદવારોને ૬૮ મત જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૫૬ મત મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન ગણતરી સમયે બે મત કેન્સલ થવા છતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો . આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ઈતિહાસ માં કદાચ પ્રથમ વખત વિપક્ષના એક પણ સભ્ય વગરનુ નવુ બોર્ડ બન્યુ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો વિજય થતા મેયર કેયુરભાઈ રોકડિયાએ તમામ ઉમેદવારોનું મોઢું મીઠું કરાવ્યુ હતુ.ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

કાઉન્સિલરે મતદાનમાં ચૂક કરતાં બે ઉમેદવારોને એક મત ઓછો મળ્યો

મત ગણતરી સમયે ભાજપના એક કાઉન્સિલરે બેલેટ પેપર પર ઉમેદવારના નામની સામે ચોકડી કરવાની જગ્યાએ રાઈટ કરીને તેના પર ચોકડી કરી હતી.જેની સામે કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવી મત રદ્દ કરવા માંગ કરી હતી.દરમિયાન શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયો બેલેટ પેપર હાથમાં લેતા વિવાદ છેડાયો હતો અને કોંગ્રેસના નિલેશ બ્રહ્મભટ્ટે વાંધો ઉઠાવ્યો હતો.જાેકે આ બે મત ચૂંટણી અધિકારીએ રદ્દ કર્યા હતા.