બાલાસિનોર, તા.૬ 

હાલ વિશ્વમાં કોરોનાના સંક્રમણથી હાહાકાર મચી ગયો છે. દિવસેને દિવસે સંક્રમણની સંખ્યાઓ વધી રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ હવે આરોપીઓમાં પણ જાવા મળ્યું છે. મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનના એક આરોપીનો તા.૫ જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને બાલાસિનોરની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં કોરોના પોઝિટિવ આ આરોપી ભાગી જતાં અફરાંતફરી મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ફળવા ગામે રહેતો મુકેશ રૂપાભાઈ (ઉં.૩૫) કોઠંબા પોલીસ સ્ટેશનમાં ૩૦૪, ૧૭૬, ૧૪૪ના ગુનામાં નાસતો ફરતો હતો. જેને લુણાવાડાની પેરોલ ફર્લો સ્ક્વોડે તા.૩ના રોજ ઝડપી પાડ્યો હતો. સરકારી ગાઇડલાઇન મુજબ આરોપીમો કોરોના ટેસ્ટ કરાવવા માટે લુણાવાડાના સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો. તા. ૫ના રોજ આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને સારવાર માટે બાલાસિનોરની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મોકાનો ફાયદો ઊઠાવી આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી કોરોના પોઝિટિવ હોવાથી સમગ્ર જિલ્લામાં સનસનાટી ગઈ હતી. તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. જાકે, પોલીસ દ્વારા આજરોજ તેને ઝડપી પાડી બાલાસિનોરની હોસ્પિટલમાં ફરી સારવાર હેઠળ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યો હતો. હવે કોવિડ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.