વડોદરા : સુરતની જાણીતી આઈટી કંપનીમાં કામ કરતી બે ખૂબસૂરત યુવતીઓ ગત તા.ર ડિસેમ્બરે અચાનક એક સાથે ગુમ થઈ હતી, જે પૈકીની એક યુવતી વલસાડની હોવાથી વલસાડ ખાતે મિસિંગ કમ્પલેન થઈ હતી. શંકાસ્પદ સજાતીય સંબંધો હોવાને કારણે ભાગેલી બંને યુવતીઓને સ્થાનિક પોલીસની મદદથી વલસાડ પોલીસે રેલવે સ્ટેશન પાછળના અગ્રવાલ ગેસ્ટહાઉસમાંથી ઝડપી પાડી વલસાડ જવા રવાના થઈ હતી. પરંતુ બંને યુવતીઓ સાથે રહેવા અત્યંત મક્કમ રહી હતી. 

વલસાડ ખાતે રહેતી યુવતી ડિમ્પલ (નામ બદલ્યું છે) પોતે સ્કૂલના કામ દરમિયાન રાષ્ટ્રીયકક્ષાની રમતવીર રહી ચૂકી છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એ સુરત ખાતેની એક આઈટી કંપનીમાં છેલ્લાં ચાર વર્ષથી જાેડાઈ હતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી, જ્યાં એની સાથે કામ કરતી મોનિકા (નામ બદલ્યું છે) સાથે થયેલી મિત્રતામાં ગાઢસંબંધો બંધાતાં મોનિકા પણ ડિમ્પલ સાથે જ રહેવા આવી ગઈ હતી. સાથે જ કંપનીમાં કામ કરતી અને સાથે જ રહેતી ડિમ્પલ (ઉં.વ.ર૪) અને મોનિકા (ઉં.વ.ર૩) દિવસ-રાત સાથે જ રહેતાં હોવાથી સાથી કર્મચારીઓને એમના વર્તન ઉપરથી બંને યુવતીઓના સંબંધો અંગે શંકા ગઈ હતી, પરંતુ એને નજરઅંદાજ કરાતો હતો. દરમિયાન ડિસેમ્બર મહિનાના પ્રારંભમાં જ ડિમ્પલના કાકાના ઘરે લગ્ન હોવાથી લગ્નપ્રસંગમાં મોનિકાને લઈને ડિમ્પલ વલસાડ પહોંચી હતી, જ્યાં તેણીનીઓ સાથે ભાગી જવાનો પાકો નિર્ણય કરી સુરત જવાના બહાને ડિમ્પલ અને મોનિકા ઘરેથી નીકળી ગયા બાદ તરત જ બંનેએ પોતપોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. બેટરી ઉતરી ગઈ હશે એમ માની બંને યુવતીઓના પરિવારજનોએ સાંજ, રાત્રે અને બીજા દિવસે પણ ફોન કરવાનો પ્રયત્ન કરતાં બંનેના ફોન બંધ જ આવતા હતા. ડિમ્પલ અને મોનિકા પરિવારજનો ચિંતિત બની કંપની ઉપર પહોંચ્યા હતા, ત્યાં પણ બંને નહીં મળી આવતાં સાથી કર્મચારીઓની પૂછપરછ કરતાં બંને યુવતીઓ વલસાડ લગ્નમાં ગયા બાદ આવી જ નહીં હોવાનું જણાવતાં ડિમ્પલના પરિવારજનોએ તા.૩ના રોજ વલસાડ ખાતે પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ બંને યુવતીઓ વડોદરા આવી પ્રથમ સ્ટેશન પાછળની કુખ્યાત મમતા હોટેલમાં રોકાઈ હતી, પરંતુ ત્યાં પોલીસની અવરજવર રહેતી હોવા ઉપરાંત મર્યાદિત રોકડ રકમ હોવાથી બંને યુવતીઓ પતરાની ચાલ પાસે આવેલ અગ્રવાલ ગેસ્ટહાઉસમાં તા.૮મીએ પહોંચ્યા બાદ ત્યાં જ પહેલા માળે આવેલ રૂમ નંબરઃ૧૦પમાં રહેતી હતી. ગેસ્ટહાઉસના સંચાલકના જણાવ્યા મુજબ બંને યુવતીઓ રૂમમાંથી જ્વલ્લે જ બહાર આવતી હતી અને એક જ ટિફિનમાંથી બંને યુવતીઓ જમતી હતી. જાે કે, રોકાણનો ચાર્જ મોટાભાગનો ચૂકવી દીધો હતો. પરંતુ થોડા ઘણા રૂપિયા બાકી રહેતાં બંને યુવતીઓને નોકરી મંજુસર ખાતેની કંપનીમાં મળી જતાં તા.૧થી નોકરી શરૂ થતાં જ રૂપિયા ચૂકવી દેશે એમ ગેસ્ટહાઉસના કર્મચારીને જણાવ્યું હતું.દરમિયાન ચિંતિત પરિવારજનો પોલીસના સતત સંપર્કમાં રહેતા હતા. રૂપિયાની ખેંચ પડતાં સાથે રહેલા લેપટોપથી બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરતાં જ વલસાડ પોલીસને જાણ થઈ હતી અને આઈપી એડ્રેસના આધારે લોકેશન જાણી વલસાડ પોલીસની ટીમ અત્રે આવી પહોંચતાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અગ્રવાલ ગેસ્ટહાઉસ ઉપર પહોંચી હતી. પોલીસને જાેઈ ડિમ્પલ અને મોનિકાએ બંને પુખ્ત છીએ અને જાતે નિર્ણય લઈ સાથે રહીએ છીએ એમ જણાવ્યું હતું. અંતે પોલીસે ફરિયાદ અંગેની કાર્યવાહી પૂર્ણ કરવા અને માતા-પિતાને તેમના નિર્ણયની જાણ કરવા વલસાડ સાથે આવવા વિનંતી કરતાં ડિમ્પલ અને મોનિકા એકબીજાનો હાથ પકડી ગેસ્ટહાઉસમાંથી વલસાડ જવા પોલીસની ખાનગી કારમાં રવાના થઈ હતી.

સાથી કર્મચારીઓને બંને યુવતીના સંબંધ અંગે શંકા હતી

ડિમ્પલ અને મોનિકાના સંબંધો સહેલીઓથી વધારે હોવાનું કંપનીના કર્મચારીઓને લાગ્યું હતું. પરંતુ ડિમ્પલ રમતવીર હોવાથી સ્વભાવ કડક હોવાથી કોઈ પૂછવાની હિંમત કરી શકતું નહીં હોવાનું આઈટી કંપનીના સાથી કર્મચારીઓએ જણાવ્યું હતું. જે ગેસ્ટહાઉસમાં રોકાયા હતા એ અગ્રવાલ ગેસ્ટહાઉસની રૂમમાંથી ડિમ્પલ અને મોનિકા બહાર આવતાં નહોતાં. બંને એક જ ટિફિનમાંથી જમતાં હતાં અને પોલીસ સાથે દલીલો બાદ જવા નીકળેલી બંને યુવતીઓએ એકબીજાનો હાથમાં હાથ પકડી રવાના થઈ હતી.

એક યુવતી રાષ્ટ્રીયકક્ષાની રમતવીર રહી ચૂકી છે

સુરત હોસ્ટેલમાં રહેતી વલસાડની ડિમ્પલ સ્કૂલ અને કોલેજકાળમાં રમતગમતમાં પાવરધી હતી અને રાષ્ટ્રીયકક્ષાએ રમી ચૂકી હતી. રમતવીર હોવાથી ત્રણ-ચાર બદમાશોને તો આરામથી ધૂળ ચાટતા કરી દે એમ હતી. છતાં પરિવારજનો ડિમ્પ્લ અને મોનિકા સાથે અજૂગતું તો નહીં બન્યું હોય એવી ચિંતા સતત સતાવતી હતી. એના કારણે તા.૩ના રોજ ફરિયાદ બાદ રોજેરોજ પોલીસ મથકના ચક્કર કાપતા હતા. અંતે ઓનલાઈન બેન્ક ટ્રાન્ઝેકશન કરતાં જ બંને વડોદરા ખાતે હોવાનું બહાર આવ્યું હતું.