પંચમહાલ-

લોકશાહીમાં મતદાર સૌથી તાકાતવાન હોય છે, અને તે ધારે એવો ફેરફાર લાવી શકે છે એ બાબતને શહેરી મતદારો જાણે કે ન જાણે પણ પંચમહાલના શક્તિપુરા વસાહતના મતદારો બરાબર જાણી ગયા હોય એવું લાગી રહ્યું છે. 

સમગ્ર પંચમહાલ જિલ્લામાં અનેક સ્થળોએ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને વહેલી સવારથી અનેક સ્થળે મતદારો લાંબી કતારોમાં ઊભા રહીને મતદાન કરી રહ્યા છે, પરંતુ અહીંના શક્તિપુરા વસાહત બેના રહિશોએ નારાજગી વ્યક્ત કરવા મતદાનનો સમગ્રપણે બહિષ્કાર કર્યો છે. પરીણામે અહીંના મતદાન મથકે એક પણ મત પડ્યો નથી. સ્થાનિક નેતાગીરી સામે રોષ વ્યક્ત કરવા આ મતદારોની નારાજગી એટલી તિવ્ર છે કે, સવારથી બપોર સુધી કોઈ જ મત આપવા ન ગયું હોવાથી તંત્ર દોડતું થયું હતું. પોલીસે અને અન્ય અધિકારીઓએ તેમજ કેટલાંક સ્થાનિક નેતાઓએ જઈને સમજાવવા છતાં તેઓ મત આપવા નહોતા ગયા. સ્થાનિકોએ કહ્યું હતું કે, તેમને કોઈ સરકારી યોજનાઓનો લાભ ક્યારેય મળતો નથી. તેમની જમીન તેમના નામે કરી આપવાના વચનો અપાયા છતાં હજી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. અહીં મધ્યપ્રદેશના વિસ્થાપિતો વસવાટ કરી રહ્યા છે, અને તેમની સમસ્યાઓ લાંબા સમયથી ઉકેલાઈ ન હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે.