મહુધા : મહુધામાં પાંચ જેટલાં એટીએમમાં નાણાં ન નીકળતાં નાગરિકો પારાવાર મુશ્કેલીમાં મૂકાયાં હતાં. ઉપરથી બેંક કર્મચારીઓએ દાઝ્‌યા ઉપર ડામ દીધો હતો. મહુધામાં બેંક ઓફ બરોડાના સ્ટાફના તુમાખીભર્યા વર્તનના કારણે આજે કેટલાંક ગ્રાહકોને અપમાનના કડવા ઘૂંટ પીવાનો વારો આવ્યો હતો. મહુધા ખાતે માતાની સારવાર માટે આવેલાં યુવકને એટીએમમાંથી નાણાં ન મળતાં હોસ્પિટલનું બિલ ભરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે, મહુધામાં આવેલાં તમામ એટીએમમાં નાણાં ન હોવાનું બહાર આવ્યું હતું.  

મહુધા શહેરના ડાકોર ચોકડી સ્થિત કોમ્પ્લેક્સમાં આવેલી વેદ મલ્ટિસ્પેશિયલ હોસ્પિટલમાં ગોપાલભાઈ તળપદા નામના યુવાને માતાની સારવાર કરાવવા માટે દાખલ કર્યા હતાં. આજે સારવાર બાદ માતાને ડિસ્ચાર્જ મળતો હોવાથી ગોપાલભાઈને હોસ્પિટલનું બિલ ભરવાનું હતું. મહુધા નગરના પ્રવેશ સ્થાને એટીએમમાં નાણાં ન હોવાનું જણાયું હતું. ત્યાંથી તેઓ બેંક ઓફ બરોડા ખાતે એટીએમમાં નાણાં ઉપાડવા ગયાં હતાં, પણ ત્યાં નાણાં ન હોવાનું જણાયું હતું. વળી દડમજલ કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખાની સામે આવેલાં બે એટીએમમાં પણ એ જ હાલત જાેવાં મળી હતી. આખરે કંટાળીને કોર્પોરેશન બેંકના બજાર સ્થિત એટીએમમાં જતાં ત્યાં પણ નાણાં ન હોવાથી યુવાન બેબાકળો બની ગયો હતો. યુવકે છેવટે સંબંધીઓ પાસેથી રૂ.૨,૭૦૦ની જેમ તેમ વ્યવસ્થા કરી બિલની ચૂકવણી કરી હતી. આ દરમિયાન અનેક ગ્રાહકો એટીએમમાં નાણાં ન હોવાથી આજે મુશ્કેલીમાં મૂકાયાં હતાં. 

બીઓબીના મેનેજરે ગ્રાહકને કહ્યું, નાણાં ન નીકળે તો નડિયાદથી લઇ આવો

મહુધા બેંક ઓફ બરોડા ખાતે આવેલાં એટીએમને કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાર્ડ લઈને એટીએમ આવેલાં ૬૦ વર્ષીય જીઇબીના નિવૃત કર્મચારી તથા ઉંદરા ગામના નરેન્દ્રભાઈ ઝાલા, દીપકભાઈ બાલુભાઈ કા.પટેલ, કાણીયેલના રણજિતભાઈ પરમાર મહુધા બેંક ઓફ બરોડાના મેનેજરને રજૂઆત કરવા ગયાં હતાં. એટીએમમાં પૈસા કેમ નથી? તેમ પૂછપરછ કરતાં મેનેજરે પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો અને ગ્રાહક ઈમ્તિયાઝ ગુલામનબીને ચોપડાવ્યું હતું કે, નાણાં ન નીકળે તો નડિયાદથી લઇ આવો. મેનેજરના આવાં જવાબથી ડઘાઈ ગયેલાં ગ્રાહકે બેંકમાંથી બહાર નીકળી લોકો સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી.

દેના બેંકના મર્જર બાદ અણછાજતું વર્તન

નગરજનોનો આક્ષેપ છે કે, મહુધા નગરમાં આવેલી બેંક ઓફ બરોડાના સ્ટાફના કર્મચારી દ્વારા અવારનવાર ગ્રાહકો સાથે તકરાર કરવામાં આવે છે. ગ્રાહકોને અપમાનિત કરવામાં આવે છે, જેનાં કારણે ગ્રાહકોમાં ભારે નારાજગી છે. દેના બેંકના મર્જર બાદ સ્ટાફ જાણે ગ્રાહકો ઉપર અહેસાન કરતાં હોય કે પછી કામના ભારણથી ગ્રસીત હોઈ તે રીતે વર્તી રહ્યાં છે.