હોડી દુર્ઘટનામાં ૧૪નાં મોત માટે કોન્ટ્રાક્ટર જ નહીં કલેક્ટરનું તંત્ર પણ જવાબદાર

વડોદરાના હરણી લેક ઝોનમાં બનેલી હોડી દુર્ઘટનામાં ૧૨ બાળક અને બે શિક્ષકનાં કરુણ મોત નીપજ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને મેજિસ્ટ્રેટ કક્ષાની તપાસ સોંપવામાં આવી છે. જાેકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અનુસાર લોકસત્તા જનસત્તા માને છે કે, આ ઘટનામાં જેટલા જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેટલી જ જવાબદારી જિલ્લા કલેક્ટર અને તેમના તંત્રની બને છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અનુસાર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક કમિટીની રચના કરવાની હોય છે, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને તજજ્ઞોનો સમાવેશ કરવાનો હોય છે. તેમજ કમિટીની સમયાંતરે બેઠક બોલાવવાની જવાબદારી પણ જિલ્લા કલેક્ટરની જ હોય છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ના પ્રકરણ ૬ અને ૯માં શહેર-જિલ્લામાં બનતાં ડિઝાસ્ટર અને બની શકે તેવા ડિઝાસ્ટરની સંપૂર્ણ માહિતી સાથેના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાની, તેને સમયાંતરે રિવ્યૂ કરવાની, તેમાં જરૂર પ્રમાણે સુધારા વધારા કરવાની, મોક ડ્રિલ કરવાની સંપૂર્ણ જવાબદારી જિલ્લા કલેક્ટરની હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અનુસાર જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર તેમના જિલ્લામાં આવતી મહાનગર પાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત સહિતની સરકારી અને ખાનગી એજન્સીઓ, કંપનીઓએ કામગીરી કરવાની હોય છે. ત્યારે હરણી લેક ઝોનમાં બનેલી ઘટના પહેલા ત્યાં કોઈ પણ ડિઝાસ્ટર એટલે કે ઘટના બને તો તે માટેનો ડિઝાસ્ટર પ્લાન માગવાની જવાબદારી જિલ્લા કલેક્ટરની બને છે. જાેકે, વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર દ્વારા જિલ્લાનો ડિઝાસ્ટર પાલન તૈયાર કરવાની વાત તો દૂર ડિઝાસ્ટર કમિટીની રચના સુદ્ધાંં કરવામાં આવી નથી. ત્યારે લેક ઝોનની ઘટનામાં જેટલા જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેટલા જ જવાબદાર જમીનની મલાઈદાર ફાઇલોમાં રસ દાખવતી કલેક્ટર કચેરીના અધિકારીઓ પણ છે કારણ કે, નાગરિકોની સુરક્ષા મામલે કલેક્ટર અતુલ ગોર અને તેમનું તંત્ર સંપૂર્ણ નિષ્ફ્ળ ગયું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ના પ્રકરણ ૯ અનુસાર જિલ્લા કલેક્ટરની સત્તા અને કાર્યો

(૧) કોઈ વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર હોય તે મુદત દરમિયાન, કલેક્ટર, અસરગ્રસ્ત વિસ્તારમાં, આપત્તિ વ્યવસ્થાપન યોજના અનુસાર તાકીદની રાહત પૂરી પાડવા માટે સરકારના વિભાગોના અધિકારીઓને અને સ્થાનિક સત્તામંડળોને આદેશો આપી શકશે. (૨) કલેક્ટર નીચેનાં કાર્યો કરી શકશે ઃ-

(૨.૧) પ્રાપ્ય સ્ત્રોત છૂટો કરવા અને ઉપયોગની ગોઠવણી કરવાના

(૨.૨) આપત્તિથી અસરગ્રસ્ત વિસ્તાર તરફના, તેમાંથી અને તેની અંદર ટ્રાફિકનું નિયંત્રણ અને પ્રતિબંધ મૂકવાના

(૨.૩) કોઈપણ આપત્તિગ્રસ્ત વિસ્તાર અથવા તેના ભાગમાં પ્રવેશવા, તેની અંદર અવરજવર કરવા અથવા ત્યાં જવા ઉપર નિયંત્રણ અને પ્રતિબંધના

(૨.૪) કાટમાળ દૂર કરવાના

(૨.૫) શોધખોળ અને બચાવ કામગીરી કરવાના

(૨.૬) બિનવારસી મૃતદેહોના નિકાલ માટે યોગ્ય રીતે ગોઠવણ કરવાના

(૨.૭) વૈકલ્પિક આશ્રય પૂરો પાડવાના

(૨.૮) ખોરાક, દવાઓ અને બીજી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાના

(૨.૯) આપત્તિ સાથે સંકળાયેલ ક્ષેત્રોના તજજ્ઞો અને સલાહકારોને, તેમની દોરવણી અને દેખરેખ હેઠળ રાહતકાર્ય કરાવવા ફરમાવવાના

(૨.૧૦) ઠરાવવામાં આવે તેવી બોલીઓ અને શરતોએ કોઈ મિલ્કત, વાહન, સાધન, મકાનો અથવા સંદેશાવ્યવહારના સાધનોનો કબજાે લેવાના અને તેનો ઉપયોગ કરવાના

(૨.૧૧) જરૂર પડે તેમ અને ત્યારે સુવિધાઓના ખાસ અથવા અગ્રતાક્રમ મુજબનો ઉપયોગ કરવાના

(૨.૧૨) કામચલાઉ પુલો અને બીજાં જરૂરી માળખાં બાંધવાના

(૨.૧૩) જાહેર જનતાને જાેખમમાં મૂકે તેવા અસલામત માળખાં તોડી પાડવાના

(૨.૧૪) બિનસરકારી સંગઠનોનું સંકલન કરવાના અને તેઓ તેમની પ્રવૃત્તિઓ વાજબી રીતે ચલાવે તે સુનિશ્ચિત કરવાના

(૨.૧૫) આપત્તિની તજવીજ કરવા અંગેની માહિતીનો જાહેર જનતામાં પ્રસાર કરવાના

(૨.૧૬) જાનમાલ બચાવવાના હેતુ માટે કોઈ આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી તમામ વસતી અથવા તેના કોઈ ભાગને સ્થળાંતર કરવા માટે ફરમાવવાના અને ફરજ પાડવાના અને આવો વિસ્તાર ખાલી કરાવવા માટે વાજબી પ્રમાણમાં બળનો ઉપયોગ કરવાના

(૨.૧૭) પોતે એમ જરૂરી ગણે કે જાનમાલ અને મિલકત બચાવવા માટે એવું પગલું જરૂરી છે અને કોઈ બારણા, દરવાજા અથવા આડશનો માલિક અથવા ભાડૂઆત ગેરહાજર છે અથવા હાજર હોવા છતાં તે ખોલવાનો ઇન્કાર કરે છે, તો એવા કોઈ સ્થળમાં પ્રવેશીને એવું કોઈ બારણું, દરવાજાે અથવા આડશ ખોલવા અથવા ખોલાવવા કોઈ વ્યક્તિને અધિકૃત કરવાના

(૨.૧૭.૨) કલેક્ટર, નીચેના હેતુ માટે જરૂરી હોય તેટલે સુધી જ -

(ક) સમુદાયને સહાય કરવી અને સંરક્ષણ આપવું

(ખ) સમુદાયને રાહત પૂરી પાડવી

(ગ) અવ્યવસ્થા અટકાવવાના અથવા તેને પહોંચી વળવા માટે

(ઘ) આપત્તિની વિનાશક અને બીજી અસરોની તજવીજ કરવાના હેતુ માટે, પેટા-કલમ (૨) માં ની સત્તા વાપરી શકશે

(૨.૧૭.૩) કલેક્ટર, આપત્તિને ઝડપથી વધતી અટકાવવા અથવા આપત્તિની અસરોને હળવી કરવા, કાબુમાં રાખવા અથવા કોઇ વ્યક્તિને અથવા સરકારી એજન્સીને એવા આદેશો આપી શકશે અને જરૂરી હોય તેવા બીજાં પગલાં લઈ શકશે ૨૪. (૧) કલેક્ટરે -

(ક) આપત્તિ અટકાવવા માટેના અથવા તેની અસરો ઓછી કરવાની અથવા એવી અસરોને પહોંચી વળવાની તૈયારી માટેનાં કાર્યો, ઠરાવવામાં આવે તેવી માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે તે સુનિશ્ચિત કરવું જાેઈશે

(ખ) પૂર્વચેતવણી અને તૈયારીની સ્થિતિ જેવા આપત્તિ વ્યવસ્થાપનનાં જુદાં જુદાં પાસાંને લગતી માહિતી સત્તામંડળને પૂરી પાડવી જાેઈશે

(ગ) જિલ્લામાંના અધિકારીઓ આપત્તિ વ્યવસ્થાપનની તજવીજ કરવા માટે જાણકારી મેળવે તે બાબત સુનિશ્ચિત કરવી જાેઈશે

(ઘ) જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓ તૈયાર કરવામાં આવે, સુધારવામાં આવે અદ્યાવત્‌ કરવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવી જાેઈશે

(ચ) જિલ્લામાં આપત્તિ પહેલાની અને આપત્તિ પછીની વ્યવસ્થાપન પ્રવૃત્તિઓને સરળ બનાવશે અને તે બાબત સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સરકારી સંસ્થાઓ સાથે સંકલન કરવું જાેઈશે

(છ) સ્થાનિક તંત્ર, બિનસરકારી સંગઠનો અને ખાનગીક્ષેત્રની મદદથી સમુદાય તાલીમ, જાગૃતિ કાર્યકમાં અને તાકીદની સવલતો સ્થાપવાનું સરળ બનાવવું જાેઈશે

(જ) આપત્તિ વ્યવસ્થાપનને લગતી બાબતો પર આંતરવિભાગીય સંકલન સ્થાપવું જાેઈશે

(ઝ) તાકીદની યોજનાઓ, આકસ્મિક યોજનાઓ અને માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવી જાેઈશે

(ટ) આપત્તિને પહોંચી વળવા માટે વ્યૂહરચના વિકસાવવામાં જિલ્લામાંના સ્થાનિક સત્તામંડળો સંકળાયેલ હોય તે બાબત સુનિશ્ચિત કરવી જાેઈશે

(ઠ) આપત્તિ વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ અને આયોજન વચ્ચે સુમેળ છે તે બાબત સુનિશ્ચિત કરવી જાેઈશે

(ડ) સંદેશા વ્યવહાર તંત્ર કાર્યરત છે તે બાબત સુનિશ્ચિત કરવી જાેઈશે

(ઢ) આપત્તિ વ્યવસ્થાપનને લગતા અગ્નિશમન સાધનો અને બીજી સાધન સામગ્રી ઉપયોગ માટે તૈયાર હોય તે રીતે જાળવવામાં આવે છે તે બાબત સુનિશ્ચિત કરવી જાેઈશે

(ત) જિલ્લામાં પુનર્નિમાણ અને પુનર્વસનની પ્રવૃત્તિઓનું સંકલન કરવું જાેઈશે

(થ) આપત્તિ વ્યવસ્થાપન કવાયતો સમયાંતરે કરવામાં આવે છે તે સુનિશ્ચિત કરવું જાેઇશે

(દ) પુનર્નિમાંણ અને પુનર્વસન માટેના પ્રયાસોની પ્રગતિ અને પરિણામોનું દેખરેખ નિયંત્રણ કરવામાં સત્તામંડળને સહાય કરવી જાેઈશે

(ધ) રાજ્ય સરકાર, સત્તામંડળ અને કમિશનર દ્વારા સોંપવામાં આવે તેવી સત્તા વાપરવી જાેઈશે અને તેવા કાર્યો બજાવવા જાેઈશે

(ન) ઠરાવવામાં આવે તેવી બીજી સત્તા વાપરવાની જાેઈશે અને તેવા બીજા કાર્યો બજાવવા જાેઈશે નિષ્કાળજી બાબતે પણ ખાતાકીય તપાસ કરવી જરૂરી

હરણી બોટ દુર્ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોન્ટ્રાકટર જવાબદાર હોય તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા સાત વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. જયારે ફરાર થયેલા ૧૨ આરોપીની શોધખોળ પણ ચાલી રહી છે. પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અનુસાર શહેર-જિલ્લામાં બનતા કોઈ પણ ડિઝાસ્ટર માટે જિલ્લા કલેકટર તેમજ મ્યુનિ. કમિશનર પણ તેટલા જ જવાબદાર છે. ત્યારે તેમની તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩નો અમલ કરતા અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવું પણ જરૂરી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ હેઠળ ડિઝાસ્ટર અટકાવવા માટેના અથવા તેની અસરો ઓછી કરવાની અથવા એવી અસરોને પહોંચી વળવાની તૈયારી માટેનાં કાર્યો, ઠરાવવામાં આવે તેવી માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે તે સુનિશ્ચિત કરવાનું કામ જિલ્લા કલેકટરનું છે. એટલું જ નહીં પૂર્વચેતવણી અને તૈયારીની સ્થિતિ જેવા આપત્તિ વ્યવસ્થાપનનાં જુદાં જુદાં પાસાંને લગતી માહિતી એકઠી કરવી, તેના પર ચિંતન કરવું, તેમાં સુધારા કરવા અને ઘટના ન બને તે માટે પૂરતા પગલાં લેવા સહિતની જવાબદારી જિલ્લા કલેકટરની બને છે. ત્યારે નરેન્દ્ર મોદી જેવા દૂરંદેશી નેતા દ્વારા જયારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવવામાં આવ્યો છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ઘટના બને તે પહેલા જ તેના બચાવ કર્યો સહિતની માહિતી જિલ્લા કલેકટર પાસે હોવી જાેઈએ તે છે. જયારે ઘટનાની તપાસ કરવી અને અહેવાલ બનાવવો તે તો સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ કાયદાનો સદ્દઉપયોગ કરી જિલ્લા કલેકટર અને તેના તંત્ર દ્વારા ક્યારે જાન-માલનું નુકશાન થતું અટકાવશે તે પ્રશ્ન છે.

૨૦૦૩માં નરેન્દ્ર મોદી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાવ્યા હતા

૨૦૦૨માં ગુજરાતમાં ભુકંપનની ઘટના બાદ તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાવવા કવાયત શરૂ કરવામાં આવી હતી. ટૂંકા ગાળામાં કલાકોની મહેનત બાદ વિધાનસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનો ડ્રાફ્ટ મંજૂરી માટે મુકવામાં આવ્યો હતો. જેને મંજૂરી મળતા ૨૦૨૩માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. જે એક્ટ અનુસાર રાજ્યના વડા તરીકે રાહત કમિશનરને જવાબદારી સોંપાઈ હતી. જયારે જિલ્લા કલેક્ટરને શહેર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ એક્ટ અનુસાર જિલ્લામાં આવતી તમામ મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો કલેકટર હસ્તક આવે છે. જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી જિલ્લા કલેકટરની બને છે. તપાસ ચાલી રહી છે, જેમાં દરેક પાસા આવરી લેવાશે

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અનુસાર જિલ્લા કલેકટર કે કચેરીની હરણી બોટ દુર્ઘટનામાં કોઈ જવાબદારી બને છે કે કેમ તે અંગે પૂછતાં જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. જેનો અહેવાલ રાજ્યના

ગૃહ વિભાગને સમયસર સુપરત કરવામાં આવશે. જે અહેવાલમાં આપ જે પ્રશ્ન કરી રહ્યા છો તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ હેઠળ કોની શું જવાબદારી તેનો પણ અભ્યાસ કરી અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવશે.

ઘટના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કલેક્ટર જવાબદાર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ હેઠળ જિલ્લામાં બનતા તમામ ડિઝાસ્ટર અને બની શકે તેવા તમામ ડિઝાસ્ટરનો રેસ્ક્યુ પ્લાન તૈયાર કરવાની જવાબદારી જિલ્લા કલેકટરની જ બને છે. ત્યારે હરણી લેક ઝોનની ઘટનામાં જિલ્લા કલેકટરનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર નિષ્ફ્ળ ગયું છે. તો બીજી તરફ વાર્ષિક રૂ. ૪૦૦૦ કરોડનું બજેટ ધરાવતી વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘટના બન્યા બાદ તે માટે પ્લાનિંગ બેક ફંડની શું વ્યવસ્થા કરવામાં આવી છે. તેનો વર્ષ દરમિયાન ક્યાં ખર્ચ કરવામાં આવે છે તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે તેનો ઉલ્લેખ સુધ્ધાં બેજટમાં કરવામાં આવ્યો નથી. જેથી આ ઘટનામાં કોન્ટ્રાકટર ઉપરાંત જિલ્લા કલેકટર અને મ્યુનિ. કમિશનર પણ તેટલા જ જવાબદાર છે. - ઉત્કર્ષ દવે, એડવોકેટ

અધિક નિવાસી કલેક્ટર સંપર્ક વિહોણા

ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એકટ અંગે પૂછપરછ કરવા જિલ્લાના અધિક નિવાસી કલેકટર બી.એસ.પ્રજાપતિનો તેમના સત્તાવાર સરકારી મો. ૯૯૭૮૪ ૦૫૧૯૬ પર સંપર્ક કર્યો હતો. તેમજ તેમણે મેસેજ પણ મોકલ્યા હતા છતાં તેમના તરફથી કોઈ રિપ્લાય આવ્યો ન હતો.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના પ્રકરણ ૬ અનુસાર કલેક્ટરની જવાબદારી શું છે?

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ના પ્રકરણ ૨માં રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેના સત્તામંડળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય આપત્તિ વવ્યવસ્થાપન સત્તામંડળ, સરકારી વિભાગોના વડા, કમિશનર (રાહત), જિલ્લા કલેકટર અને સ્થાનિક સત્તામંડળનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો આધાર રાખી પ્રકરણ ૬માં કલેકટરની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવી અને કમિટી દ્વારા કરવાના કર્યો પણ નક્કી કરવામાં આવ્યા છે. જે કાર્યોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવો, તેનું સમયાતંરે રીવ્યુ કરવું, તેને અપડેટ કરવો, સંપત્તિ કે રહેવાસીઓને નુકશાનકારક હોય તેવી સરકારી કે ખાનગી જગ્યાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાવવો સહિતની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

મામલતદારે જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા

લેક ઝોનના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ પ્લાન અંગે જિલ્લા કલેકટર કચેરીના મામલતદાર ડિઝાસ્ટર દક્ષાબેન સોલંકીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, અમારી કચેરીમાં માત્ર કુદરતી ડિઝાસ્ટર અંગેની જ માહિતી હોય છે. અને તેમા પણ માત્ર જિલ્લાના તાલુકાઓની જ માહિતી. શહેરની જવાબદારી કોર્પોરેશનની હોય છે. જેની સાથે અમારે કોઈ નિસબત હોતી નથી.