વડોદરા,તા.૧૭

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ સાથે આજે મેયર તથા સ્થાયી સમિતીના ચેરમેન સવારે પાણીગેટ થી માંડવી સુધીના રોડ પર ચાલતા નીકળ્યા હતા અને દુકાનદારોને રોડ પર ટ્રાફિકને નડતરરૂપ બને તે રીતે માલ સામાન અને લટકણીયા તેમજ મેનેક્વીન વગેરે રાખી દબાણ નહીં કરવા સુચના આપી હતી. પાણીગેટ થી માંડવી સુધીનો રોડ આમ પણ ઘણો સાંકડો છે, પરંતુ વેપારીઓ દ્વારા રોડ પર લોખંડની એંગલો, પૂતળા વગેરે રાખીને જે રીતે ડિસ્પ્લે કરે છે. તેના કારણે રોડ પર પસાર થવાની જગ્યા રહેતી નથી અને તેના લીધે ટ્રાફિક જામ થાય છે.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ આ વિસ્તારમાં વેપારીઓને રોડ પર દબાણ નહીં કરવા અને માર્ગ ખુલ્લો રહે તે માટે સૂચના આપી હતી, પરંતુ તેનું કોઈ અમલ થયો નથી જેથી આજે ફરી વખત ચાલતા નીકળીને દુકાનદારોને સમજ આપી હતી, અને ચીમકી આપી હતી કે જાે વેપારીઓ સમજ નહીં દાખવે અને આમજ રોડ પર દબાણો કરતા રહેશે તો દુકાન બંધ કરાવવા સુધીની કોર્પોરેશન કાર્યવાહી કરશે તેવી તાકીદ પણ કરી હતી. દુકાનદારો ધંધો કરે તેની સામે કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ લોકોને અને વાહન ચાલકોને નડતરરૂપ બને તે રીતે રોડ પર પૂતળા અને એંગલો મૂકી દબાણ કરવું તે ઠીક નથી તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. આજની આ મૌખિક સૂચના પછી પણ જાે વેપારીઓ દબાણ કરવાનું ચાલુ રાખશે તો કોર્પોરેશન આગામી દિવસોમાં દબાણ હટાવી માલસામાન વગેરે જપ્ત કરવા સહિતની કાર્યવાહી હાથ ઘરશે તેમ જાણવા મળે છે.