ગાંધીનગર-

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટાયેલી પાખને ત્રણ મહિનાથી ઘર ભેગી કરી લેવામાં આવી છે. નવેસરથી ચૂંટણી યોજાતી નથી, વહીવટદાર શાસન મુકાતું નથી અને અધિકારીઓ સર્વેસર્વા બની ગયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતની વાત કરનાર કોઈ રહ્યું નથી.

ચૂંટાયેલી પાંખનો વ્યવસ્થિત રીતે કાંકરો કાઢી નાખવામાં આવ્યો છે અને લોકશાહીના બદલે બાબુશાહી હાવી થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચૂંટાયેલા સભ્યોની મુદત આમ તો ચાલુ વર્ષના પ્રારંભમાં એટલેકે તારીખ 22 જાન્યુઆરી 2020 ના પૂરી થઈ ગઈ હતી.હવે નવી નીતિ મુજબ બોર્ડની રચના કરવામાં આવનાર હોવાથી ચૂંટણી એક મહિનો પાછી ઠેલવામાં આવી છે તેમ કહીને ચૂંટાયેલા બોર્ડની મુદત એક મહિનો વધારી દેવામાં આવી હતી અને ત્યારબાદ વધુ છ મહિના લંબાવવામાં આવી હતી. ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ માધ્યમિક શિક્ષણ બોર્ડના ચૂંટાયેલા તમામ સભ્યોને ઘરભેગા કરી દેવાયા છે. 

નવી મતદાર યાદી બનાવવાની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે પરંતુ આમ છતાં છેલ્લા ત્રણ મહિનાથી ચૂંટણી ક્યારે યોજાશે તેનું મુહૂર્ત કાઢવામાં આવ્યું નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ચૂંટાયેલા અને નિયુક્ત થઈને કુલ સભ્ય સંખ્યા 59 હતી તે ઘટાડીને 24 કરવામાં આવી છે તેવી જાહેરાત પણ અગાઉ થઈ ચૂકી છે. 

બોર્ડમા ચૂંટાયેલા સભ્યો ન હોવાના કારણે શિક્ષણ, કારોબારી, નાણાં સહિતની કોઈ સમિતિ પણ સ્વાભાવિક રીતે જ અસ્તિત્વ ધરાવતી નથી. આમ છતાં બોર્ડના અધિકારીઓએ નવ ઓફિસરોનું ગ્રુપ બનાવીને ગત તારીખ 13 ઓક્ટોબરના રોજ સામાન્ય સભા બોલાવી હતી. અધિકારીઓની આ સામાન્ય સભામાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે પરંતુ જો આમ જ ગાડું ચાલતું હોય તો ચૂંટણી શા માટે યોજવી જોઇએ અને શા માટે ચૂંટાયેલા સભ્યોને જવાબ દેવા જોઈએ તેવી માનસિકતા જાણે ઘર કરી ગઇ હોય તેમ ચૂંટણીની દિશામાં વિચારવાનું પણ જાણે બંધ કરી દેવાયું હોય તેવું લાગે છે.