આણંદ : આણંદના જાેળ ગામના ડેપ્યુટી સરપંચે રવિવારે કાયદાનો સરેઆમ ભંગ કરતાં દોડધામ મચી ગઈ હતી. રવિવારે તેમનાં પુત્રના લગ્નમાં જાહેરનામાથી ઉપરવટ જઈને ૨૫૦ માણસો ભેગાં કરતાં વિદ્યાનગર પોલીસે ડે.સરપંચ સહિત ત્રણ જણાં સામે જાહેરનામાના ભંગ અને એપેડેમિક ડિસીઝ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાનગર પોલીસને કંટ્રોલમાંથી વર્ધી મળી હતી કે, જાેળ ગામના ડેપ્યૂટી સરપંચ ભરતભાઈ રાવજીભાઈ વાઘેલા પુત્ર ધીરજના લગ્ન પ્રસંગમાં પોતાના ફળીયા તથા શેરીમાં મંડપ બાંધી ૧૦૦થી વધુ માણસોને ભેગાં કર્યાં છે. આ વર્ધીને પગલે વિદ્યાનગર પોલીસની એક ટીમ રવિવારે બપોરે એક વાગ્યે જાેળ ગામે તપાસમાં ગઈ હતી. પોલીસને દેખાતાં લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઈ હતી. લોકો પોલીસને જાેતાં જ આમતેમ છૂટાં પડી ગયાં હતાં. પોલીસે એ સમયે જાેયું કે મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા નહોતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું નહોતું. દરમિયાન ત્યાં હાજર બે શખસના નામ-ઠામ પૂછતાં અલ્પેશ છગન વાઘેલા અને ચિરાગ કિરીટ પરમાર હોવાનું જણાવ્યું હતું. લગ્ન તેમના ભાઈના હોવાનું કહ્યું હતું. કેટરિંગનું કામ ઠાકોર મંગળ ચૌહાણનું હતું. મંડપ ડેકોરેશનનું કામ મુકેશ જશભાઈ વાઘેલાને આપેલું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં લગ્ન સમારોહમાં ૨૫૦ માણસોને ભેગાં કર્યાંનું બહાર આવ્યું હતું. હાલમાં કોરોના સંક્રમણ વચ્ચે સરકારની ગાઇડલાઇન્સ અનુસાર લગ્નપ્રસંગે માત્ર ૧૦૦ સંબંધીઓને જ બોલાવવાની છૂટ આપવામાં આવી છે. ડેપ્યૂટી સરપંચના છોકરાના મેરેજમાં જ કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થયું હોવાતી વિદ્યાનગર પોલીસે ડે.સરપંચ ભરતભાઈ રાવજીભાઈ વાઘેલા સહિત કેટરિંગ અને મંડપ ડેકોરેશનનું કામ લેનારા સામે જાહેરનામા ભંગ અને એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.