સુરત : કોરોનાકાળમાં બનાવટી દવાઓ અને ઇન્જેક્શનોનો વેપલો પૂરજાેશમાં ચાલી રહ્યો છે ત્યારે સુરતનાં બે મેડિકલ સ્ટોર્સનાં સંચાલકોએ પણ તકનો લાભ લઇને મ્યુકોરમાઇકોસીસની બનાવટી દવાનો ધંધો શરૂ કર્યો હતો પરંતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીઓએ દરોડા પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મ્યુકોરમાઇકોસીસની ટેબલેટનાં જથ્થા ઉપરાંત અધિકારીઓએ મ્યુકોરમાઇકોસીસની લિક્વિડ દવાનો ૨૨ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરતનાં અંબિકા મેડિકલ સ્ટોરનાં સંચાલકે સુરતનાં જયઅંબે મેડિકો અને વરાછાનાં ઓમ ડિસ્ટ્રીબ્યુટર ઉપરાંત વડોદરા, અમદાવાદ અને આણંદ સહિત રાજ્યનાં અન્ય શહેરોમાં બનાવટી દવા સપ્લાય કરી હોવાનું કબુલ કરતાં સમગ્ર કૌભાંડનું એપી સેન્ટર સુરત બન્યું હોવાનું પ્રસ્થાપિત થયું છે.

સુરતનાં ઝાંપાબજાર વિસ્તારમાં આવેલાં મેસર્સ અંબિકા મેડિકલ સ્ટોર્સનાં સંચાલકો તેલંગાણાથી મ્યુકોરમાઇકોસીસની ટેબલેટ મગાવતાં હતાં. આ ટેબલેટનો કેટલોક જથ્થો તેમણે અમદાવાદના મેડિકલ સ્ટોરને વેચ્યો હતો જે પકડાતાં સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. ફુડ એન્ડ ડ્રગ્સનાં કમિશનર એચ.જી.કોશિયાએ સુરતનાં આસિસ્ટન્ટ કમિશનર આર.એમ.પટેલને તપાસ સોંપી હતી જેમાં વધુ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બે દિવસ પહેલાં તો સુરતમાંથી કુલ ૪૭ લાખ રૂપિયાની મ્યુકોરમાઇકોસીસની બનાવટી ટેબલેટ પકડાઇ હતી પણ આસિસ્ટન્ટ કમિશનર આર.એમ.પટેલની તલસ્પર્શી તપાસમાં મ્યુકોરમાઇકોસીસની લિક્વિડ દવા પણ શંકાસ્પદ હોવાનું જણાતા અંબિકા મેડિકલ સ્ટોર્સમાંથી ૨૨ લાખ રૂપિયાની કિંમતની લિક્વિડ દવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. મ્યુકોરમાઇકોસીસની લિક્વિડ દવાનાં સેમ્પલો લઇને ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા હોવાનું આસિસ્ટન્ટ કમિશનર આર.એમ.પટેલે જણાવ્યું હતું.

આ અઘિકારીએ આપેલી માહિતી અનુસાર સુરતની અંબિકા મેડિકલ સ્ટોરના સંચાલકોએ વડોદરામાં સમા સાવલી રોડ પર આવેલી રિધમ હોસ્પિટલ નજીક વી- ૨૦૧૫, સિધ્ધાર્થ બંગલોઝમાં આવેલી એ પ્લસ મેડિકલ એજન્સીને પણ આ ડુપ્લીકેટ દવાનો મોટો જથ્થો આપ્યો છે. એ ઉપરાંત આણંદ ખાતે આવેલા સાંઈબાબા જનસેવા ટ્રસ્ટના શ્રીસાંઈ મેડીકલ સ્ટોરને પણ મોટો જથ્થો આપવામાં આવ્યો છે. એ ઉપરાંત અમદાવાદના શુકન મોલમાં જી-૩૯ નંબરની શુકન મેડીકલ સ્ટોર અને સોલા વિસ્તારમા આવેલા એ-૧૩૦૧,લોટસ બાયોક્યોરને પણ મોટો જથ્થો આપ્યો છે.

આરોપીની પુછપરછમાં મળેલી આ માહિતીથી ચોંકેલી પોલીસે સંબંધિત તમામ સ્થળોએ છાપા મારવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું કહેવાય છે.

સુરતના અંબિકા મેડિકલના સંચાલકો તેલંગાણાથી દવા મગાવતા હતા

સુરત શહેરનાં ઝાંપાબજાર વિસ્તારમાં આવેલાં મેસર્સ અંબિકા મેડિકલના સંચાલકો મ્યુકોરમાઇકોસીસની ટેબલેટ તેમજ લિક્વિડ દવા તેલંગાણાની એ.એસ.પી.એન. ફાર્મા પાસેથી ખરીદ કરતાં હતાં. તેલંગાણાની કંપની પાસે મેન્યુફેક્ચરનું લાયસન્સ છે પરંતુ પોઝાકોનાઝોલ દવાનાં પ્રોડક્શનનું લાયસન્સ નથી. ટેબલેટ બનાવટી નીકળતાં લિક્વિડ દવા અંગે પણ અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે.

બનાવટી દવાના કૌભાંડની જાણ કેન્દ્રીય એજન્સીને કરાઇ

મ્યુકોરમાઇકોસીસની બનાવટી ટેબલેટ અને લિક્વિડ દવાનાં કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ગુજરાતના કમિશનર એચ.જી.કોશિયાએ સમગ્ર બાબતની જાણ દિલ્હી ખાતે કેન્દ્રીય એજન્સીને કરી હોવાનું પણ જાણવા મળે છે. કેન્દ્રીય એજન્સી દેશના તમામ રાજ્યોને જાણ કરીને બનાવટી દવા અંગે એલર્ટ કરશે.

દવાની એક બોટલની કિંમત ૨૦,૫૦૦ રૂપિયા

મ્યુકોરમાઇકોસીસનો કહેર એટલી હદે વધી ગયો હતો કે લોકોમાં તેનો ફફડાટ પણ વધારે પ્રમાણમાં ફેલાઇ ગયો હતો. લોકોનાં ડરને વટાવી લેવા માટે જ અંબિકા મેડિકલ અને જયઅંબે મેડિકોનાં સંચાલકોએ બનાવટી દવાનો વેપલો શરૂ કર્યો હતો. ફુડ એન્ડ ડ્રગ્સ અધિકારીના જણાવ્યાનુસાર મ્યુકોરમાઇકોસીસની લિક્વિડ દવાની એક બોટલની કિંમત ૨૦,૫૦૦ રૂપિયા વસુલ કરવામાં આવતી હતી.