વડોદરા

આગામી ૧૦ ડિસેમ્બરથી એમ.એસ.યુનિવર્સીટી દ્વારા કોમર્સ ફેકલ્ટીના ટી.વાય બીકોમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની મિડ-સેમેસ્ટર એક્ઝામ લેવા જઈ રહ્યું છે. ત્યારે આ એક્ઝામના સિલેબસને લઈને સેંકડો વિદ્યાર્થીઓને મૂંઝવણ હોવાથી અને વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય ન મળતો હોવાથી વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા આજરોજ યુનિવર્સીટીના આ ર્નિણયનો વિરોધ કરીને પરીક્ષાની તારીખ પાછી ઠેલાવવા માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને એમ.એસ.યુનિવર્સીટી દ્વારા નવા શૈક્ષણિક સત્રની પરીક્ષાઓ પણ ઓનલાઇન યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ટી.વાય બીકોમના વિદ્યાર્થીઓની ૧૦મી ડિસેમ્બરથી ઓનલાઇન મિડ સેમેસ્ટર એક્ઝામ લેવાનું નોટિફિકેશન જાહેર કરીને ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે, એક્ઝામની તારીખના માત્ર ૧૪ દિવસ અગાઉ યુનિવર્સીટી દ્વારા આ રીતે પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. કોરોનને કારણે અસ્તવ્યસ્ત બની ગયેલી શૈક્ષણિક કામગીરી વચ્ચે સેંકડો વિદ્યાર્થીઓને આ મિડ સેમ એક્ઝામમાં કેટલો સિલેબસ આવશે, તેની પણ ખબર નથી. આ ઉપરાંત પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓ પાસે પૂરતો સમય ન હોવાથી વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા યુનિવર્સીટી હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી. પરીક્ષા માટેનો સિલેબસ ઓનલાઇન મુકવામાં આવે, વિદ્યાર્થીઓને વાંચવા માટે પૂરતો સમય આપવામાં આવે અને એક્ઝામ અગાઉ વિદ્યાર્થીઓ માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે તે માટેની માંગ

કરવામાં આવી હતી.