દિલ્હી-

સંસદના બજેટ સત્રના બીજા તબક્કા નો આજે બીજો દિવસ છે. આજે ફરી એકવાર વિરોધી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના વધતા ભાવને કારણે સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવ અંગે ચર્ચા કરવા લોકસભામાં મુલતવી દરખાસ્તની નોટિસ આપી હતી. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એ પેટ્રોલિયમ પેદાશોના ભાવ અંગે ચર્ચા કરવા 'સસ્પેન્શન ઓફ બિઝનેસ' નોટિસ આપી હતી. જો કે, વિપક્ષ દ્વારા સતત સૂત્રોચ્ચાર અને હોબાળો થતાં બંને ગૃહોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.

આજે રાજ્યસભાની કાર્યવાહી સામાન્ય રીતે આગળ વધી હતી, જ્યારે લોકસભાની કાર્યવાહી ધમાલ સાથે શરૂ થઈ હતી. આ દરમિયાન વિપક્ષે મોંઘવારી સામે રાજ્યસભામાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ત્યારબાદ ઉપ-સભાપતિ એ, સભ્યોને શૂન્યકાળ ને મંજૂરી આપવા અપીલ કરી હતી. રાજ્યસભામાં વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર કરી સવાલ-જવાબ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન પણ સભ્યોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા પરંતુ અવાજ વચ્ચે ગૃહની કાર્યવાહી વધુ સમય સુધી ટકી શકી નહીં. દરમિયાન, ડેપ્યુટી સ્પીકરે ગૃહને બે વાગ્યા સુધી મુલતવી રાખ્યું હતું.

અગાઉ રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે એ પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવોની ચર્ચા કરવા માટે સસ્પેન્શન ઓફ બીઝનેસ ની નોટીસ આપી હતી. આ નોટિસ હેઠળ ગૃહની સામાન્ય કાર્યવાહી બંધ કરીને ચોક્કસ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. ખડગે ની નોટિસ પર ઉપ-સભાપતિ એ, અધ્યક્ષના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી, કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો તમે ઇચ્છો તો તમે પરવાનગી આપી શકો છો, છેવટે તમે સુપ્રીમ ઓથોરિટી છો.

તે જ સમયે, બહુજન સમાજ પાર્ટીના સાંસદ સતિષચંદ્ર મિશ્રાએ પણ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઇને રાજ્યસભામાં સસ્પેન્શન ઓફ બિઝનેશ ની નોટિસ આપી હતી.

બીજી તરફ લોકસભાની કાર્યવાહી દરમિયાન વિરોધી પક્ષોએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઇને ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, લોકસભાના ઘણા સાંસદોએ મુલતવીની દરખાસ્તની નોટિસ આપી હતી. તેમાંય કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી, કે.કે. સુરેશ, સીપીએમના એએમ આરીફ, આઈયુએમએલના સાંસદ ઇટી મોહમ્મદ બશીર, ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીના એન.કે. પ્રેમાચંદ્રન, બહુજન સમાજ પાર્ટીના સાંસદ રિતેશ પાંડે અને ડીએમકેના સાંસદ દયાનિધિ મારન વગેરે સામેલ હતા. હોબાળો થતાં લોકસભાની મુલતવી રાખતા પહેલા કોંગ્રેસના કેટલાક સાંસદોએ બોલતી વખતે બ્લેકઆઉટ અંગે સ્પીકરને સવાલ કર્યા હતા, ઓમ બિરલાએ જવાબ આપ્યો હતો કે, તેઓ હોબાળો બતાવી શકતા નથી. સતત હંગામા વચ્ચે, ગૃહની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી, પછી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.