વડોદરા : મુંબઈના યુવાન કન્સલ્ટન્ટ વિદેશી દારૂની બે બોટલો સાથે ઝડપાતા તેની સામે ગુનો નોંધવાના બહાને તેની પાસેથી ૨૦ હજારનો તોડ કરી તેમજ તેની કારમાંથી ફોન, એપલવોચ અને રોકડ સહિત ૯૮ હજારની મત્તા પણ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલો માંજલપુર પોલીસ મથકનો પોકો રમેશ ગલસરનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ગુનામાં સંડોવણી સપાટી પર આવતા તેને આવતીકાલે રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાશે તેમજ તેની સામે ખાતાકિય કાર્યવાહી કરી ફરજ મોકુફીની પણ પોલીસે તજવીજ શરૂ કરી છે. ગત ૧૨મી નવેમ્બરની રાત્રે ચાપડરોડ પરથી એકલા કારમાં જઈ રહેલા મુંબઈમાં રહેતા ખાનગી કંપનીના કન્સલ્ટન્ટ ૪૨ વર્ષીય અમિતકુમાર અરુણકુમારને માંજલપુરના પો.કો. રમેશ ગલસર અને તેના ત્રણ સાગરીતોએ કારમાં વિદેશી દારૂની બે બોટલો સાથે ઝડપી પાડી તેમની પાસેથી કેસ નહી કરવા માટે ૨૦ હજારનો તોડ કર્યો હતો અને કારમાંથી રોકડા ૧૮ હજાર, એપલવોચ અને ગુગલ પિક્સલફોન સહિત ૯૮ હજારની મત્તા પડાવી લીધી હતી જે બનાવની અમિતકુમારે ગઈ કાલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ઝડપાયેલા રમેશ ગલસરનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા તેની ધરપકડ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે રમેશ ગલસરની ચાપડરોડ પર ડ્યુટી નહી હોવા છતાં તે માત્ર તોડ કરવા માટે જ તેની ખાનગી સ્કોર્પિયો કારમાં ત્રણ સાગરીતો સાથે ત્યાં ગયો હતો. પોકો રમેશને કાલે રિમાન્ડ પર કોર્ટમાં રજુ કરવામાં આવશે તેમજ તેની વિરુધ્ધ ખાતાકિય તપાસ કરી ફરજમોકુફી પણ કરાશે તેમ ઝોન-૩ના ડીસીપી ડો.કરણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.