ભરૂચ, તા.૨૭ 

ભરૂચ સિવિલ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજ અને આધુનિકરણના ઓઠા હેઠળ વડોદરાની રૂદ્રાક્ષ સંસ્થાને માત્ર ૧ રૂપિયા ટોકને ભાડે પટે આપી દીધી છે.

ભરૂચની સિવિલ હોસ્પિટલનો હવાલો ખાનગી સંસ્થાને હવાલે કર્યા બાદ પણ અવારનવાર સેવા, સુવિધા અને સારવારને લઈ બુમરાણ ઉઠી રહી છે. કોરોના મહામારી વચ્ચે જિલ્લામાં વધતા કેસોથી સિવિલમાં પણ કોવિડ સેન્ટર કાર્યરત કરી દર્દીઓને સારવાર અપાઈ રહી છે.હાલ ચોમાસાની મોસમ વચ્ચે સિવિલ હોસ્પિટલનું ટ્રાન્સફોર્મર છાશવારે ખોટકાઈ રહ્યું હોય કોરોના શજતના દર્દીઓ વીજળી વિના વલખા મારવા મજબૂર બન્યા છે. હોસ્પિટલમાં વીજ પુરવઠો કાર્યરત રાખવા જનરેટર ધમધમાવવામાં આવી રહ્યું છે જે પણ કેટલાક કલાકો ચાલ્યા બાદ બંધ પડી જતા દર્દીઓના હાલ બેહાલ બની રહ્યા છે. વીજ કંપની એ ખોટકાયેલા ટ્રાન્સફોર્મરને દુરસ્ત કરવાની કામગીરી ઝડપભેર હાથ ધરી છે.

જનરેટર પર ચાલતી જિલ્લાની એક માત્ર આશીર્વાદ રૂપ સિવિલમાં પણ વારંવાર ડીઝલ ખૂટી જતા કોવિડ વોર્ડમાં રહેલા કોરોના ના દર્દીઓ સહિત અન્યની સમસ્યાનો પાર રહ્યો નથી.