મેડ્રીડ-

યુરોપના અગ્રણી દેશ સ્પેનમાં કોરોનાના કારણે છેલ્લાં છ મહિનાથી લોકડાઉન લદાયું હતું. જોકે કોરોના કેસોની સંખ્યામાં થયેલાં નોંધપાત્ર ઘટાડાને પરિણામે સ્પેનની સરકાર દ્વારા દેશમાં લોકડાઉનના અંતની જાહેરાત કરાતાં જ લોકો આનંદમાં આવી રસ્તા પર ઉજવણી કરવા નીકળી પડ્યાં હતાં. બીજી બાજુ બ્રિટનમાં જાન્યુઆરીથી લાગુ કરાયેલા લોકડાઉનમાં ઢીલ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે, આ સંદર્ભે વડાપ્રધાન બોરિસ જોનસન ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. આ દરમિયાન, વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ નવા સાત લાખ કેસ આવ્યા અને દસ હજારથી વધુ લોકોના મોત થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્પેનમાં ગત નવેમ્બરમાં કોરોના વાયરસના કેસ વધતા દેશવ્યાપી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. દેશભરમાં લોકોએ રોડ પર ઉતરીને ઉજવણી કરી હતી. જોકે, સ્પેન સરકારે લોકોને કહ્યું કે હજુ કોરોના વાયરસ મહામારી પૂરી થઈ નથી. એટલા માટે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતા રહો. સ્પેનમાં હમણાં સુધી 35 લાખથી વધુ કેસો આવ્યા છે અને કોરોનાને લીધે 78 હજાર લોકોના મોત થયા છે.બીજી તરફ બ્રિટનમાં પણ કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો થતાં પ્રતિબંધોમાં ઢીલ આપવાની તૈયારી શરુ કરવામાં આવી રહી છે. બ્રિટનમાં કોરોના વાયરસના 44 લાખથી વધુ કેસો આવ્યા અને 1.27 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે.