યોગ્ય રીતે માસ્ક નહીં પહેર્યું હોવાથી ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસેથી પણ દંડ વસૂલવાની હિંમત વડોદરા પોલીસે દાખવવી જાેઈએ. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવા બદલ કાર્યક્રમનું આયોજન કરનાર શહેર ભાજપના હોદ્દેદારો સામે પણ કડક કાર્યવાહી થવી જાેઈએ એવી માગ ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે કરી છે. આ અંગે લેખિત આવેદનપત્ર શહેર પોલીસ કમિશનરને આપ્યું છે. શહેરના જાહેર માર્ગો ઉપર રોજેરોજ પોલીસના ધાડેધાડા ઉતરી પડીને માસ્ક વગરના અને યોગ્ય રીતે માસ્ક નહીં પહેરનારાઓ સામે પોલીસ શહેરની જનતા પાસે રોજેરોજ દંડ વસૂલે છે. ત્યારે આજે રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઉતર્યા બાદ દિવસભર સી.આર.પાટીલનું માસ્ક નાકની નીચે જ હતું, જે કાયદાની પરિભાષામાં યોગ્ય રીતે ન હતું. નવાઈની વાત તો એ છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આવું થયું હતું અને શહેર ભાજપના હોદ્દેદારો પણ હાજર હતા ત્યારે એમને સાક્ષી બનાવી મીડિયાના ફોટોગ્રામ વીડિયો જાેઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે કરી છે.