વડોદરા, તા.૧૩

વાઘોડિયાની ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ ગત રાત્રે ઘરે પરત ફરતા સ્કોર્પિયો કારમાં જુગાર રમતા આમલિયારા ગામ પાસેથી તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા અને ૯ ખાનદાન નબીરાઓની ધરપકડ કરી રૂ.૨.૧૯ લાખની મત્તા કબજે કરી હતી.

વાઘોડિયા જીઆઈડીસી ખાતે આવેલી જેવીઆર નામની ખાનગી કંપનીમાં નોકરી કરતા અને વડોદરાથી કંપનીમાં ખાનગી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો કારમાં અપ-ડાઉન કરતા શહેરના ૯ ખાનદાન નબીરાઓ ચાલુ કારમાં પત્તા-પાનાનો જુગાર રમતા હતા. ગત રાત્રે વડોદરા તાલુકા પોલીસ વડોદરા-હાલોલ ટોલ રોડ પર પેટ્રોલિંગ કરતી હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ઉદેસિંહને બાતમી મળેલી કે હાલોલ તરફથી વડોદરા તરફ જતી સિલ્વર કલરની સ્કોર્પિયો કારમાં જુગાર રમાય છે. પોલીસે આમલિયારા ગામ પાસે આ સ્કોર્પિયોને આંતરી હતી અને કારમાં તપાસ કરતાં જુગાર કારની વચ્ચેની બેઠક પર પત્તા-પાનાનો દાવ મુકી જુગાર રમતા વડોદરા શહેરમાં રહેતા દિલીપ બાબુલ (ખોડિયારનગર), ગુણવંત સાયરા (ન્યુ સમા રોડ), નીતિન કાયસ્થ (ચોપદાર ફળિયું), હેમંત શાહ (વાઘોડિયા રોડ), બિરેન્દ્ર કોલ (વાઘોડિયા રોડ), પ્રેમકુમાર પ્રસાદ (વાઘોડિયા રોડ), સંજય ગજ્જર (તરસાલી), અંકિત સુથાર (વાસણા રોડ) અને રામદાસ વસાવા (ગોરવા) સહિત ૯ કર્મચારીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.૧૭,૧૫૫ અને જુગારના દાવ પરથી રૂ. ૨૩૪૦ મળી રૂ.૧૯,૧૪૫ની રોકડ અને બે લાખની કાર મળીને કુલ રૂ.૨,૧૯,૪૯૫નો મુદ્‌ામાલ કબજે કરી તેઓની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.