દાહોદ

દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પ્રજાસત્તાક દિને પોલીસ તંત્ર દ્વારા ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સલામી આપવામાં આવશે. દાહોદમાં આવેલા પ્રજાસત્તાક દિનની પરેડના નોડેલ અધિકારી એવા નાયબ પોલીસ અધીક્ષક વિજયસિંહ પરમારે કેટલીક રસપ્રદ માહિતી આપી. ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વોલી ફાયરિંગ કરવામાં આવશે. જેને ગુજરાતીમાં હર્ષધ્વની તરીકે પણ ઓળખવામાં આવે છે. વોલી ફાયરિંગ મૂલઃ તિરબાજાેની એક પ્રકારની યુદ્ધની રણનીતિ છે. વોલી શબ્દ લેટિન શબ્દ વોલર ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ ઉડવું એવો થાય છે. એવું માનવામાં આવે છે કે વોલી ફાયરિંગ યુદ્ધનીતિ ગ્રિકો દ્વારા ઉપયોગમાં આવતી હતી. જેમાં હરીફો ઉપર એક ટ્રૂપ દ્વારા વારાફરતી વારંવાર બાણવર્ષા કરવામાં આવે છે. જેથી દુશ્મનો ઉપર રીતસર બાણનો વરસાદ થઇ જાય. બાદમાં દારૂગોળાની શોધ થઇ. એટલે, વોલી ફાયરિંગ તોપ સાથે જાેડાઇ ગયું. ભારતમાં આ પરંપરા અંગ્રેજાેના શાસનકાળ દરમિયાન દાખલ થઇ. વળી, અંગ્રેજાેએ ભારતના રજવાડાઓને તેના રાજ્યના કદના આધારે તોપોની સલામી આપવાનું નિયત કર્યું હતું. કોઇ રાજાને પાંચ તોપની તો કોઇ રાજાને ૨૧ તોપની સલામી આપવામાં આવતી હતી. એટલે અંગ્રેજી અમલદારો તોપો ફોડીને રાજાઓ પ્રત્યે સન્માન અને હર્ષની લાગણી વ્યક્ત કરતા હતા. હવે, આ જ પરંપરા સુરક્ષા જવાનોએ તિરંગાની શાનને કેન્દ્રમાં બરકરાર રાખી છે.

એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક તથા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટનગર ગાંધીનગરથી બહાર રાજ્યના જિલ્લા મથકોએ ઉજવણી કરવાની પહેલ કરી હતી. તે પહેલના ભાગરૂપે દાહોદમાં બીજી વખત રાજ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ૨૬ના રોજ અહીંના નવજીવન કોલેજના મેદાનમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લઇ રહેલી ૧૨ પૈકી એક પ્લાટૂન વોલી ફાયરિંગની પણ છે. જેમાં ૩૦ પોલીસ જવાન જાેડાયા છે. જે હર્ષધ્વની કરવાના છે. તિરંગાને સલામી અપાયા બાદ આ જવાનો ૩૦૩ બંદૂકમાંથી ફાયરિંગ કરી રાષ્ટ્રધ્વજને સન્માન આપશે.