વડોદરા : કોરોનાની મહામારીની વિપરીત માનસિક અસર લોકો ઉપર એટલી હદે પડે છે તેનો સત્યાર્થ કરતો કિસ્સો આજે સયાજી હોસ્પિટલના મનોચિકિત્સક (મનોરોગી) વિભાગમાં પ્રકાશમાં આવ્યો છે.  

શહેરમાં કોવિડ-૧૯ની સારવાર કરતી અનેક હોસ્પિટલોની આસપાસ આવેલ પ્રાઈમ લોકેશન મિલકતોની કિંમતોમાં અચાનક નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે મોંઘીદાટ કિંમતની મિલકતો વેચાઈ રહી નથી, જેની ચિંતામાં માનસિક ડિપ્રેશનમાં આવી ગયેલા એક મિલકત માલિક આજે સયાજી હોસ્પિટલના મનોરોગી વિભાગમાં મનોચિકિત્સક તબીબ પાસે કાઉન્સિંગ તેમજ માનસિક ડિપ્રેશનની સારવાર માટે આવી પહોંચ્યા હતા.

કોરોનાની મહામારીને લઈને શહેરમાં લગભગ તમામ વિસ્તારમાં કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરતી અનેક હોસ્પિટલો ધમધમે છે. આ હોસ્પિટલો જે જગ્યા એ વિસ્તારોમાં આવી છે તેની આજુબાજુની મિલકતોના ભાવ ગગડવા લાગ્યા છે તેની સૌથી વધુ અસર હાઈરાઈઝ બિલ્ડિંગ કે કોમર્શિયલ બિલ્ડિંગમાં થઈ છે. માર્ચ અગાઉ આ મિલકતની કિંમત જે હતી તેના કરતાં હાલ કિંમતોમાં ૨૦થી ૪૦ ટકા સુધીનો ઘટાડો થવા પામ્યો છે. એટલું જ નહિ, ખાનગી લેબોરેટરીની આજુબાજુ આવેલી મિલકતોની પણ આજ હાલત હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અલબત્ત, જાે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગમાં હોસ્પિટલ કે લેબોરેટરીના માલિકો દ્વારા મિલકત ખરીદવામાં આવી હોય તો ગ્રાહક આ ઈમારતમાં ઓફિસ બુક કરવાનું ટાળી રહ્યા છે. નવા બનેલા કોમ્પલેક્સોમાં પણ દુકાનનું કે ઓફિસનું બુકિંગ કરાવતાં પહેલાં હોસ્પિટલ કે લેબોરેટરીના બુકિંગ અંગેની પ્રથમ તપાસ કરવામાં આવી રહી છે, જેને કારણે બિલ્ડરોની દુકાનો કે ઓફિસ ન વેચાતાં અટવાઈ ગયા છે અને માનસિક ડિપ્રેશનમાં આવી જવાના અનેક કિસ્સાઓ બનવા પામી રહ્યા છે.આવો જ એક કિસ્સો સયાજી હોસ્પિટલના મનોરોગી વિભાગમાં આવ્યો હતો. કોરોનાની મહામારીમાં જમીન મિલકતના એકાએક ભાવો ઘટવા માંડતાં એક મિલકત માલિક માનસિક ડિપ્રેશનમાં આવી ગયા બાદ હોસ્પિટલના મનોચિકિત્સક તબીબ પાસે કાઉન્સિંગ તેમજ મનોરોગીની સારવાર માટે આવી પહોંચ્યા હતા.