વડોદરા : શહેરના દાંડીયાબજાર સ્થિત ખારીવાવ રોડ પર રહેણાંક વિસ્તારથી ગીચ એવા આ વિસ્તારમાં આવેલ નારાયણ ભુવન નામના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર પીપીઇ કીટ અને સેનીટાઇઝરનો જથ્થો રાખવા માટે ઉપયોગમાં લેવાતા ગોડાઉનમાં કોઇ કારણોસર આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ બનાવને પગલે ફાયર બ્રિગેડે એક કલાક સુધી પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાની સાથે એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતી બે મહીલાને રેસ્ક્યુ કરી હતી.જાે કે આ આગની ઘટના બાબતે મેયરે ફાયર બ્રિગેડને તપાસ કરવા સૂચના આપી છે.અને ફાયર સેફટીના પુરતા સાધનો ન રાખવા બદલ ગોડાઉન માલિક સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

દાંડીયાબજાર સ્થિત ખારીવાવ રોડ પર આવેલ નારાયણ ભુવન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં બપોરે ભિષણ આગ લાગી હતી.આ જગ્યાનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.હીરલ ઋત્વિક કોન્ટ્રાકટર નામની મહીલાએ વુહાન એન્ટરપ્રાઇઝ સર્જીકલ એન્ડ મેડીકલ ડીસ્ટ્રીબ્યુટર્સના નામથી ગોડાઉનમાં પીપીઇ કીટ,સેનીટાઇઝર તેમજ મેડીકલ સર્જીકલને લગતી વસ્તુઓનો વિપુલ જથ્થો રાખ્યો હતો.આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી.એપાર્ટમેન્ટના ગોડાઉનમાંથી ધીમે ધીમે ધુમાળા નજરે ચઢતા લોકોમાં નાસભાગ મચી હતી.અને એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતા શૈલાબેન બર્વે ( ઉ.વ. ૭૧)એ ધુમાળા ઘરની અંદર આવતા જાેતા બૂમાબૂમ કરી હતી.અને ચાલવા માટે અસમર્થ હોવાથી દાદર વાટે ૮૧ વર્ષના ભાભી કુસુમ બર્વેની સાથે અગાશી પર જતા રહ્યા હતા.આ બનાવ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરાતા જ દાંડીયાબજારના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને બે ટીમે પાણી તેમજ ફોર્મને મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી.અને એક ટીમે અગાશી પર ચઢી ગયેલી બે મહીલાને રેસ્કયુ કરવાની કામગીરી કરી હતી.આ મેજર કોલને પગલે ફાયર બ્રિગેડને લોકેશન ચોક્કસ નહી મળતા પહોંચવામાં થોડું મોડુ થયુ હતું. આખરે એક કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.આ આગથી લાખોના નુકસાનનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે.ગોડાઉન ભાડે રાખનાર હીરલ કોન્ટ્રાકટરે પણ ગોડાઉનમાં કેટલી કિંમતનો જથ્થો હતો તેની પણ માહિતી નથી.બનાવને પગલે રાવપુરા પોલીસ, મેયર કેયુર રોકડીયા,ડે.મેયર નંદા જાેષી, સ્થાયી સમિતીના ચેરમેને ડાॅ.હિતેન્દ્ર પટેલ પહોંચી ગયા હતા.અને આગનું કારણ જાણવા ફાયર બ્રિગેડને તપાસના આદેશ જારી કર્યા છે.જયારે ચેરમેને ગોડાઉનમાં ફાયર સેફટીના પુરતા સાધનો ન રાખ્યા હોય તો ગોડાઉન માલિક સામે કાયદેસરની અને દંડાત્મક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.આ ગોડાઉનનો પહેલા લેબોરેટરી તરીકે ઉપયોગ કરાતો હતો.પણ લેબોરેટરી બંધ થઇ જતા જગ્યા ગોડાઉન તરીકે આપી હતી.મેયરે નીચે ગોડાઉન તેમજ ઉપર રહેણાંક બાબતે તંત્ર માટે ચિંતાનો વિષય ગણાવ્યો છે.રાવપુરા પોલીસે પણ જાણવા જાેગ લઇને આગનું સાચુ કારણ જાણવા તપાસ શરુ કરી છે.