નડિયાદ : ખેડા જિલ્લામાં ભૂમાફિયાઓના વધી રહેલાં ત્રાસની વચ્ચે વધુ એક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા સનસનાટી મચી ગઈ છે. કઠલાલ તાલુકાના પીઠાઈમાં બે મહિલા સહિત સાત સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નડિયાદ તાલુકાના ચકલાસીમાં રહેતાં સોમાભાઈ મંગળભાઈ ઝાલાની જમીન કઠલાલ પંથકના પીઠાઈ ગામ નજીક આવેલી છે. અહીં આવેલાં ખાતા નં.૧૫૨૮ના સરવે નંબર ૬૮૧/૧, ૬૮૨/૨ વાળી જમીન પર કેટલાંક ઈસમો પચાવી પાડવાના હેતુથી કબજાે જમાવી બેઠાં હોવાનો આક્ષેપ કરાયો હતો. આથી આ અંગે આજે સોમાભાઈએ કઠલાલ પોલીસ મથકે જમીન ઉપર કબજાે જમાવી બેઠેલાં ગોતાભાઈ ચૌહાણ, ભરતભાઈ ચૌહાણ, કૈલાશબેન ચૌહાણ, શૈલેષભાઈ ચૌહાણ, કકીબેન ચૌહાણ, જીગ્નેશભાઈ ચૌહાણ અને જવાનભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમો લગાવી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.