વડોદરા, તા.૧૫

વડોદરા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જાે મળે તે માટે હાથ ધરવામાં આવેલ પ્રયાસોના ભાગરૂપે શહેરની મધ્યમાં ઐતિહાસિક ઈમારતોનો હેરિટેજ સ્કવેર બનાવવા માટે જર્જરિત બનેલા પદમાવતી શોપિંગ સેન્ટરને દૂર કરી વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે વેપારીઓએ સંમતિ આપી હતી. ત્યારે સ્થાયી સમિતિમાં જર્જરિત બનેલા પદમાવતી શોપિંગ સેન્ટરને દૂર કરી દુકાનદારોને ટીપી-૯ના ફાઈનલ પ્લોટ-૧ પૈકીની ખુલ્લી જગ્યાવાળા ભાગમાં ડ્રો પદ્ધતિથી વૈકલ્પિક જગ્યા ફાળવવા વધારાના કામ તરીકે આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

આ દરખાસ્તમાં જણાવાયું છે કે, ન્યાયમંદિર સામે આવેલ પદમાવતી શોપિંગ સેન્ટરમાં વરસો પહેલાં હાલના દુકાનદારોને દુકાનો ફાળવી આપવામાં આવી હતી. જે તે સમયે આ દુકાનો આપ્યા બાદ ઉપરના માળે સરકારની અન્ય કચેરીઓને પણ દુકાનો ફાળવી આપેલ હતી. દરમિયાન વખતોવખત સમગ્ર સભાના બજેટમાં મંજૂર થતી લાગતો મુજબ ભાડા વસૂલવામાં આવે છે તથા નામ ટ્રાન્સફર માટે પણ બજેટમાં નક્કી થયેલ નિયત દરો વસૂલી નામ ટ્રાન્સફર કરી આપવામાં આવેલ છે.

આ બિલ્ડિંગ ખૂબ જ જૂની જર્જરિત અને અનસેફ હોવાનું સ્ટ્રકચર રિપોર્ટના આધારે જણાઈ આવેલ છે. આ કોમ્પ્લેક્સમાં આવેલ સરકારની કચેરીઓ હાલ ખાલી છે, ફક્ત દુકાનદારો આ બિલ્ડિંગનો ઉપયોગ કરે છે તથા સેમી બેઝમેન્ટમાં પ્રેસ વિભાગ ચાલે છે, જેને જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવેલ હોઈ બિલ્ડિંગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા આગવી ઓળખના ભાગરૂપે હયાત હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી-મરામત વગેરે માટે બજેટમાં પણ જાેગવાઈ કરી છે. આ સંજાેગોમાં સમયાંતરે ન્યાયમંદિર મિલકતનું હેરિટેજ કન્વેર્ટેશન રિસ્ટોરેશન ડીપીઆર ટેન્ડર બનાવવાની કાર્યવાહી પૂર્ણ થયેલ છે, જેથી લાલકોર્ટ, સુરસાગર, ગાંધી નગરગૃહથી ન્યાયમંદિર સુધીનો રસ્તો મ્યુઝિક કોલેજને સાંકળી લઈ હેરિટેજ સ્કવેર બનાવવાના ભાગરૂપે આ અનસેફ બિલ્ડિંગને તોડી દૂર કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના થાય તથા શહેરની આગવી ઓળખસમી અલગથી વિકાસ કરી શકાય.

હાલના પદમાવતી શોપિંગ સેન્ટરના દુકાનદારોને વુડા બિલ્ડિંગ પાસે ટીપી-૯ના ફા.પ્લોટ નં.૧ (નાગરવાડા)માં ફાળવવામાં આવેલ જગ્યા સિવાયની બાકી રહેતી અંદાજે ૧૨૧૦૯ ચો.મી. જગ્યાના ભાગમાં આયોજન કરી હાલના દુકાનદારોને ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર અને સેકન્ડ ફલોરમાં ડ્રો પદ્ધતિથી સમાવેશ કરી તેમને હાલ જેટલી દુકાન છે તે મુજબની દુકાનો ફાળવી આપવા તથા ઉપરના ભાગેથી સાત માળ સુધી મળવાપાત્ર થતી એફએસઆઈ મુજબનું બાંધકામ કરી કોર્પોરેશનની ઓફિસ, સભાગૃહ, અન્ય હાલની મુખ્ય કચેરીને ત્યાં સ્થળાંતર કરી ઉપયોગ કરવાની વિચારણા કરાઈ છે.હાલના દુકાનદારોને તેમના માલિકી, ફાળવણીના પૂરાવા રજૂ કર્યેથી વરાડે પડતી જમીનની કિંમત તથા બાંધકામની કિંમત અને સરકારના અન્ય જરૂરી ભરપાઈ કરવાના ટેક્સ તથા ભવિષ્યમાં ફાયર, સેનિટેશન તથા તેમના ભાગના સ્વચ્છતા વગેરેના મેઈન્ટેનન્સના ભાવ કાઢી પ્રતિ ચો.મી. જે કિંમત આવે તે કિંમતે ફાળવી આપવા તથા તે લોકો પદમાવતી શોપિંગ સેન્ટર ખાલી કરે તે વિકલ્પે અકોટા સયાજીનગર ગૃહની બાજુમાં આવેલ ગ્રાઉન્ડની જગ્યા દિન-૧૫માં ખાલી કરાવી તેમને પરત આપવાની થતી રકમ પરત આપી તે જગ્યા હંગામી ધોરણે જ્યાં સુધી નવીન જગ્યાની ફાળવણી પત્ર આપવામાં ન આવે ત્યાં સુધી ભાડું વસૂલી વપરાશ માટે જગ્યા અથવા અન્ય વૈકલ્પિક ખુલ્લો પ્લોટ ફાળવવો, ઉપરાંત ખુલ્લા પ્લોટમાં પતરાથી દુકાનો બનાવી આપવાની વેપારીઓની રજૂઆત હોઈ, સેનિટેશનને લગતી તમામ કામગીરી સંબંધિત ઝોનમાંથી કરવા તથા નાગરવાડા ટીપી-૯ ફા.પ્લોટ નં.૧ (પૈકીના) ઉપલબ્ધ ભાગ માટે પ્લાનિંગ, ડિમાર્કેશન, એક્ઝિકયુશન બિલ્ડિંગ પ્રોજેક્ટ દ્વારા કરવાના કામગીરી દરખાસ્તને વધારાના કામ તરીકે સ્થાયી સમિતિ મારફત સમગ્ર સભાની મંજૂરી આપવા જણાવ્યું હતું, જેમાં જર્જરિત પદમાવતી શોપિંગ સેન્ટરને તાત્કાલિક દૂર કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા માટે અલગથી દરખાસ્ત જાણ માટે રજૂ કરવાના ઠરાવ સાથે મંજૂરી આપી હતી.

ભાજપના એક નેતાના ઈશારે વિરોધી સૂર

જર્જરિત બનેલા પદમાવતી શોપિંગ સેન્ટરને દૂર કરી શહેરની મધ્યમાં ઐતિહાસિક ઈમારતોનો હેરિટેજ સ્કવેર વિકસાવવાના આયોજન માટે શહેરના વિકાસમાં પદમાવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ પણ સંમતિ આપી હતી. પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી હતી. જાે કે, આજે સવારે ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક સમય પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો, પછી પદમાવતી સેન્ટર દૂર કરો તેવી રજૂઆત કરવા વેપારીઓ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. ત્યારે બીજી તરફ ભાજપના નેતાના ઈશારે વિરોધી સૂર ઊઠ્યો હોવાનું જાણવા મળે છે.

પદ્‌માવતી શોપિંગ સેન્ટરને ઉતારી લેવાનો નિર્ણય ફટાકડા ફોડી વધાવ્યો

જર્જરિત બનેલા પદમાવતી શોપિંગ સેન્ટરને ઉતારી લેવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવીને વોર્ડ ૧૪ અને ૧૩ના ભાજપના કાઉન્સિલર અને નાગરિકોએ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપીને જે નિર્ણય લેવાયો છે તેેને આવકારીને પાલિકાની વડી કચેરી ખાતે ફટાકડા ફોડીને વધાવ્યો હતો.