દુબઇ 

IPL 2020ની 22મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 69 રને હાર્યું. આ મેચમાં હારનો સામનો કર્યા બાદ હવે લોકેશ રાહુલ અને ટીમ માટે અહીંથી પ્લેઓફની રેસમાં જીવંત રહેવું અત્યંત અઘરું રહેશે. તેઓ 6માંથી માત્ર 1 મેચ જીતીને 2 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે.

પંજાબના ઓપનર્સ લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલનું ટૂર્નામેન્ટમાં વ્યક્તિગત પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ ટીમને તેનાથી કોઈપણ પ્રકારનો ફાયદો થયો નથી. રાહુલે 6 મેચમાં 62.6ની એવરેજ અને 136.68ની સ્ટ્રાઇક રેટથી 313 રન બનાવ્યા છે. તે અત્યારે ટૂર્નામેન્ટમાં લીડિંગ રન સ્કોરર છે અને ઓરેન્જ કેપ ધરાવે છે, જ્યારે મયંકે 6 મેચમાં 43.83ની એવરેજ અને 162.42ની સ્ટ્રાઇક રેટથી 281 રન બનાવ્યા છે. બંનેના ટોટલ રનનો સરવાળો 594 થાય છે. પંજાબની ટીમે લીગની 6 મેચમાં કુલ 1039 રન બનાવ્યા છે. આમ, ટીમના 57% રન રાહુલ અને મયંકે કર્યા છે. તેઓ મોટા ભાગના સમયે મિડલ ઓર્ડરને પ્લેટફોર્મ આપવામાં સફળ રહ્યા છે, પરંતુ ન તેઓ પોતે ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યા છે, ન અન્ય કોઈ બેટ્સમેને હાથ ઊંચો કરીને આ જવાબદારી લીધી છે.

રાહુલ અને મયંક પછી કોઈ બેટ્સમેને બેટ સાથે પ્રોમિસિંગ દેખાવ કર્યો હોય તો તે નિકોલસ પૂરન છે, જેણે ગઈકાલે હૈદરાબાદ સામે 37 બોલમાં 77 રન ફટકાર્યા હતા. તેણે કુલ 6 મેચમાં 39.2ની એવરેજ અને 178.18ની સ્ટ્રાઇક રેટથી 196 રન કર્યા છે. પંજાબના અન્ય કોઈ બેટ્સમેને ચાલુ સીઝનમાં કુલ 50 રન પણ કર્યા નથી. 6 મેચમાં 48 રન સાથે ગ્લેન મેક્સવેલ ટીમ માટે સૌથી વધુ રન કરનાર બેટ્સમેનની સૂચિમાં ચોથા સ્થાને છે.