નવસારી-

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ધીમું પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો. જેના પગલે જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. તો બીજી તરફ ગામડાઓમાં કેટલાક રસ્તાઓ ઉપર વધુ પાણી ભરાયા હોવાથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. હાલ પણ જોકે કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. પરંતુ વરસાદી પાણી ઓસરતાં જ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે. સાથે વરસાદી પાણીથી ખાડા ખાબોચિયાઓ ભરાયા છે.આ તરફ વલસાડ જિલ્લામાં પણ વસાદનું જોર ઘટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં વાપી, પારડી, ધરમપુર અને કપરાડામાં 1 ઈંચ વરસ્યો હતો. જિલ્લામાં સતત વરસતા વરસાદે શનિવારે બ્રેક મારી દીધી હતી.

વરસાદનું જોર ધીમું પડ્યું હતું. શનિવારે પણ વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. જોકે દિવસ ભર વાદળો ઘેરાયેલા રહ્યા હતા. અને વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. વરસાદનું જોર ધીમું પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શુક્રવારે સાંજે 4 વાગ્યેથી શનિવારે સાંજે 4 વાગ્યે સુધી 24 કલાકમાં ચીખલી તાલુકામાં 16 મી.મી., ખેરગામ તાલુકામાં 15 મી.મી., નવસારી તાલુકામાં 13 મી.મી., જલાલપોર તાલુકામાં 12 મી.મી., ગણદેવી તાલુકામાં 9 મી.મી. અને વાંસદા તાલુકામાં 5 મી.મી. વરસાદ નોંધાયો હતો.