આણંદ : ધી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ(અમૂલ)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં રામસિંહ પરમાર ફરી એક વખત ચેરમેન પદ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં. જાેકે, જે કશમકશ અત્યાર સુધી ચાલતી હતી તે વાઇસ ચેરમેન પદ માટે બે ઉમેદવારી પત્રો ભરાતાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશ મુજબ મતદાન પ્રક્રિયા પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.  

બીજી તરફ આણંદ, ખેડા અને મહિસાગરના પશું પાલકોની નજર હવે અમૂલના વાઇસ ચેરમેન પદે કોઈ બિરાજશે તેનાં પર ટકેલી છે. મહિસાગરના પશુપાલકોને તેમનાં વિસ્તારના વાઇસ ચેરમેન આવશે તેવી આશા છે.

શુક્રવારે સવારે ૧૧ કલાકે ચૂંટણી અધિકારી જે.સી. દલાલના અધ્યક્ષસ્થાને અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. ચેરમેન પદ માટે રામસિંહ પરમારની વિરુદ્ધ અન્ય કોઈએ ઉમેદવારી નહીં નોંધવતાં બિનહરિફ રહ્યાં હતાં. વાઇસ ચેરમેન પદ માટે ભાજપ પ્રેરિત રાજેશભાઈ પાઠક અને કોંગ્રેસ પ્રેરીત રાજેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવતાં મતદાન યોજાયું હતું. જાેકે, હાઇકોર્ટમાં પેન્ટિંગ પિટિશનમાં એવો આદેશ આપવામાં આવ્યો હતો કે, મતદાન યોજવું પડે તો પરિણામ જાહેર કરવામાં ન આવે. આ આદેશ મુજબ વાઇસ ચેરમેનની ચૂંટણીનું મતદાન થયું છે, પણ પરિણામ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, સરકાર દ્વારા નિમાયેલાં ત્રણ સરકારી પ્રતિનિધિઓનો મુદો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. તેની સુનાવણી આગામી ૨૪મી નવેમ્બરના રોજ હોઇકોર્ટમાં હાથ ધરાશે. ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં નહીં આવે. ૨૪મીએ હાઇકોર્ટમાં યોજાનારી સુનાવણી બાદ સત્તાવાર રીતે પરિણામ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોએ એવું પણ કહ્યું હતું કે, અમૂલની ચૂંટણીમાં સૌ પ્રથમવાર ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલે પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત સરકાર દ્વારા નિમાયેલાં ૩ સભ્યો ભરતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, પ્રભાતભાઈ ઝાલા અને રજિસ્ટ્રારએ મતદાન કર્યું હતું. નિયામક મંડળના ચૂંટાયેલાં ૧૩ સભ્યો, સરકારે નિમેલાં ૩ સભ્યો,૧ રજિસ્ટ્રાર અને ફેડરેશનના પ્રતિનિધિ મળી કુલ ૧૮ સભ્યોએ મતદાન કર્યું હતું. ડિરેક્ટર્સના તમામ ૧૫ મતો એક મત પેટીમાં સીલ કરવામાં આવ્યા હતા, જ્યારે હાઇકોર્ટના ડિરેક્શન મુજબ સરકારી પ્રતિનિધિના ૩ મત અન્ય મતપેટીમાં સીલ કરી દેવામાં આવ્યાં હતાં.

ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરીને હાઇકોર્ટના આદેશ અનુસાર પરિણામ જાહેર કર્યું ન હતું.

મતદાન પછી કોણે શું દાવો કર્યો?

મતદાન બાદ વાઇસ ચેરમેનપદના ઉમેદવાર કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે દાવો કર્યો હતો કે, તેમની સામે રાજેશભાઈ પાઠકે ઉમેદવારી નોંધાવી છે, પરંતુ નવ સભ્યોએ તેમની તરફેણમાં મતદાન કર્યું છે. પરિણામ જાહેર થશે ત્યારે વાઇસ ચેરમેન તરીકે તેમની જીત નિશ્ચિત છે. બીજી તરફ રાજેશભાઈ પાઠકે કોઈપણ પ્રકારનો દાવો કર્યાં વગર પરિણામની રાહ જાેવાનું ઉચિત માન્યું હતું.