રાજકોટ-

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને યુવાહૈયા પર રાજ કરનાર વિરાટ કોહલીના દેશ અને દુનિયામાં અનેક ફેન હશે, પરંતુ રાજકોટની હીરલ બરવડિયા નામની યુવતી કોહલીની ‘વિરાટ’ ફેન છે. દુનિયાભરમાં કોઈએ વિરાટ કોહલી માટે કામગીરી નહીં કરી હોય એવી કામગીરી હિરલે કરી બતાવી છે. હીરલને તાજેતરમાં જ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા તરફથી ‘લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ફોટોઝ’ અવૉર્ડ મળ્યો છે. ભારતીય ક્રિકેટરોમાં વિરાટ કોહલી હીરલનો સૌથી વધુ ફેવરિટ ખેલાડી રહ્યો છે, આથી તેણે કોહલીને અનોખી ભેટ આપવા માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ર્નિણય કર્યો હતો.

હિરલે છેલ્લાં ૭ વર્ષથી વિરાટ કોહલીના ન્યૂઝપેપરમાં આવતા ફોટોગ્રાફ્સના ન્યૂઝ ફોટોઝ એકઠા કરી અનોખો રેકોર્ડ સ્થાપવા શરૂઆત કરી હતી. એમાં તેણે ૧૩૫૦ જેટલા યુનિક ફોટોઝ સહિત કુલ ૩૫૦૦થી વધુ ન્યૂઝ ફોટોઝ એકઠા કરી વર્લ્ડ રેકોર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી તેને ‘લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ન્યૂઝ ફોટોઝ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હીરલનું સપનું છે કે તે એકવાર વિરાટ કોહલીને મળવા ઈચ્છે છે અને એક્ટિંગની દુનિયામાં તક મળે તો એ પણ કરવા તૈયાર છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિરાટ કોહલીના ૮૦.૫ મિલિયન એટલે કે ૮ કરોડથી વધુ ચાહકો છે, જે વિરાટ કોહલીની દરેક પોસ્ટને લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહે છે, પરંતુ તેમના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવનારી હિરલ એકમાત્ર છે.

વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પરથી કમાણી કરતા ટોપ ૧૦ ક્રિકેટરોમાંથી એક ક્રિકેટર છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આઈપીએલ સીઝન ૧૩ ચાલી રહી છે, જેમાં વિરાટ કોહલી આઈપીએલ રમવા માટે હાલ દુબઇમાં છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતી અને મારવાડી કોલેજમાં બીએસસી માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કરતી હીરલે ૨૦૧૩થી વિરાટ કોહલીના ફોટોઝ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. આ શોખમાં તેણે રેકોર્ડ બનાવવાનો વિચાર કર્યો હતો અને આજે ૭ વર્ષના અંતે તેને સફળતા મળી છે. આ રેકોર્ડ હાંસલ કરવામાં હીરલને તેમનાં માતા-પિતાનો પૂરતો સહયોગ મળ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. હીરલના પિતા તેને ફોટોઝની ગણતરી કરી આપતા હતા, જ્યારે તેમનાં માતા એકત્રિત કરેલા ફોટોઝને સાચવી રાખવા મદદ કરતાં હતાં.