રાજકોટ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા આંકડામાં રાજય અને મેટ્રો શહેરમાં આંકડામાં દેશભરમાં ક્રાઇમ રેટ ઘટાડવામાં રાજકોટ પોલીસનો ડંકો વાગ્યો છે અને શહેર પોલીસે ક્રાઇમ રેટ ઘટાડવામાં પહેલા નંબરે પોતાનો ઝંડો ગાળ્યો છે.ભારતના અલગ અલગ રાજયો અને જિલ્લામાં ક્રાઇમ રેટ બાબતે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા આંકડા એકત્રીત કરી રાજયવાર આંકડા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ પોલીસ ક્રાઇમ રેટ ઘટાડવામાં દેશભરમાં અવ્વલ નંબરે આવી છે. એનસીઆરબી આંકડા મુજબ સમગ્ર ભારતમાં રાજકોટ પોલીસ ક્રાઇમ રેટ ઘટાડવામાં શ્રેષ્ઠ સાબિત થઇ છે ભારતના અન્ય રાજયો અને શહેરોની સરખામણીમાં ગુન્હાખોરીનો ઘટાડો જાેવા મળેલ છે.આ કામગીરી બદલ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ ક્રાઇમના એસીપી સહિતના તમામ પોલીસ અધિકારીની મહેનત રંગ લાવી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તેમજ આઇ-વે પ્રોજેકટ અને સુરક્ષા સેતુ એપ્લીકેશનનો ઉપયોગ કરી ગુન્હેગારો પર ખાસ વોચ રાખીને મોનીટરીંગ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સ્કોચ દ્વારા ગોલ્ડમેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માદક પદાર્થોની હેરાફેર હોય કે પછી રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજાર હોય કે મોટા કોઇપણ ગંભીર ગુન્હા હોય તેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે સાથે સાથે ક્રાઇમ રેટ ઘટાડવામાં રાજકોટ પોલીસની જે કામગીરી રહી છે તેની નોંધ હવે ભારતભરમાં લેવાઇ છે.