રાજકોટ-

રાજકોટના રાજવી પરિવારની મિલ્કતના વિવાદ કેસમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા ને ઝટકો લાગ્યો છે.માધાપર અને સરઘારની કરોડો રૂપિયાની જમીનમાં તેમના ઝાંસી રહેતા બહેન અંબાલિકા દેવીનું નામ કમી કરવાની માધાંતાસિંહ કરેલી અરજી અંગે બહેન અંબાલિકા દેવીએ વાંધો ઉઠાવ્યો હતો અને આ અંગે પ્રાંત અધિકારી સમક્ષ વાંધો રજૂ કરીને તકરારી કેસ દાખલ કર્યો હતો. જે પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખ્યો છે અને રાજવી પરિવારની વારસાઇ જમીનમાં બહેન અંબાલિકાદેવીનો હકક જતો કરવાની નોંધ પાડી શકાય તેમ ન હોવાનો ચુકાદો આપ્યો છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વારસાઇ જમીનમાં કોનો હક છે તે અંગે સિવીલ કોર્ટનો જે નિર્ણય આવશે તે ગ્રાહ્ય રાખવામાં આવશે તેવું જણાવ્યું હતુ. રાજવી પરિવારના અંબાલીકા દેવી મનોહરસિંહજી જાડેજા (વા/ઓ) પુષ્પેન્દ્રસિંહ દ્વારા માંધાતાસિંહજી જાડેજા, શાંતિદેવી જાડેજા, માનકુમારીદેવી જાડેજા અને ઉમાકુમારી જાડેજા વિરુધ્ધ સરધાર ગામની સર્વે નં.1ની હે.0-40-47 ચો.મી. જમીન અને માધાપર ગામની સર્વે નં.111/3 પૈકીની હે.232-84-05 ચો.મી. જમીનની હક્કપત્રકે દાખલ થયેલ હક્ક કમીની નોંધ સામે વાંધા અરજી પ્રાંત કચેરીમાં રજૂ કરી હતી. આ કેસમાં વાંધેદાર અંબાલીકાદેવી જાડેજા તરફથી દલીલમાં જણાવાયું હતું કે, આ કામના સામાવાળાઓએ તેઓનું વડીલોપાર્જીત મિલ્કતમાંથી નામ કમી કરવા સંબંધે જે અરજી આપેલી છે તે ગેરકાયદેસર છે. બે અલગ અલગ વડિલોપાર્જિત મિલકતના તકરારી કેસની વિગત એવી છે કે રાજકોટ તાલુકાના સરધાર ગામના સર્વે નં.1માં હે.0-40-47 ચો.મી. જમીન તેમજ માધાપર ગામના સર્વે નં.111/3 પૈકી 1માં હે. 232-84-05 ચો.મી. જમીન રાજવી પરિવારની વડિલોપાર્જિત મિલકત છે. આ બન્ને જમીનની વરસાઇ એન્ટ્રીમાંથી ઠાકોર સાહેબ માંધાતાસિંહ તેમજ અન્ય વરસદારોમાં બહેન શાંતિદેવી અને ઉમાકુમારી દેવી તેમજ માતા માનકુમારી દેવીએ સાથે મળીને છેતરપીંડી કરી ઝાંસી સ્થિત બહેન અંબાલિકા દેવીનું નામ કમી કરાવવાનો તકરારી કેસ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલની કોર્ટમાં ચાલ્યો હતો.