રાજકોટ-

રાજકોટની ભાગોળે આવેલી અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝ ના મત મુજબ હાલની સ્થિતિમાં સિત્તેર ટકા કામ શરૂ થઈ ગયું છે. દેશ અને વિદેશમાંથી રાજકોટના ઓટોસેકટર, પ્લાસ્ટિક, કાસ્ટિંગ, ફોર્જિંગ અને મોરબી ના સીરામીક સેકટર માં હવે રાબેતા મુજબ ધડાધડ ઓર્ડર મળવાના શરૂ થઇ જતાં આ કામને પહોંચી વળવા માટે દિવાળી નું વેકેશન ટૂંકાવવા માટેનો નિર્ણય લીધો છે આ વર્ષે ઇન્ડસ્ટ્રીઝ ને મળેલા ઓર્ડર મુજબ દિવાળીના તહેવાર ની રજાઓ નક્કી કરવામાં આવી છે મોટા ભાગની ઈન્ડસ્ટ્રીઝમાં બેથી ચાર દિવસ દિવાળી ની રજા રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ અંગે શાપર વેરાવળ એસોસિયેશનના પ્રમુખ કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગોમાં કોરોનાનો ગ્રહણ લાગ્યું હતું જેના લીધે આર્થિક મંદી આવી ને ઉભી થઇ હતી. જેમ જેમ કોરોના ના કેસ પણ ઘટી રહ્યા છે તેમ તેમ નવા ઓર્ડર પણ ઈન્ડસ્ટ્રીઝમાં આવી રહ્યા હોય તેને પહોંચી વળવા અને બીજી તરફ શ્રમિકો પણ પોતાના વતનમાંથી પરત આવી ગયા છે. આઠ મહિના પછી ઉદ્યોગોને ઓક્સિજન મળ્યો છે. આથી આ વખતે દિવાળીના તહેવારમાં મોટાભાગના ઉદ્યોગોએ બે દિવસ, ત્રણ દિવસ અને ચાર દિવસની રજા રાખવા નક્કી કર્યું છે.

જ્યારે આજી જીઆઇડીસી ના પૂર્વ પ્રમુખ જીવણભાઈ પટેલ અને નવનિયુક્ત પ્રમુખ નરેશભાઇ શેઠે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાઇના માં વેપાર તુટ્યો છે જેનો ફાયદો રાજકોટના ઉદ્યોગોને મહત્તમ મળ્યો છે આથી વિકાસની નવી દિશા રાજકોટના ઉદ્યોગોને મળી છે અને હવે નાના-મોટા તમામ ઉદ્યોગો પાસે નવા ઓર્ડર શરૂ થઇ જતા તે પૂરા કરવા માટે વધુ ને વધુ સમય અને મેનપાવર ની જરૂર હોવાથી આ રજા ટૂંકાવાસે. આજી જીઆઇડીસી માં આવેલા મોટા ભાગની ફેક્ટરી માં બે દિવસ ની જ દિવાળી ની રજા રાખવામાં આવી છે. 

જ્યારે મેટોડા જીઆઇડીસી ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, આ દિવાળીએ રજાઓ ઓછી કરવાના મૂડમાં ઉદ્યોગકારો છે અત્યાર સુધી શ્રમિકો પણ ન હોવાના લીધે કામ થયું હતું જેને હવે સ્પીડ પકડી છે આથી તેમાં બ્રેક ન લાગે તે માટે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ, મશીનરી ઇન્ડસ્ટ્રીઝ સહિત એકમો ઓછી રજા રાખસે. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે રાજકોટના એક્સપોર્ટ માં 18થી 20 ટકાનો ગ્રોથ નોંધાયો છે અત્યાર સુધીનો રેકોર્ડ કરી શકાય. ચાઇના માં બ્રેક ડાઉન થતાં જેનો મહત્તમ ફાયદો સૌરાષ્ટ્રની એક્સપોર્ટ કરતી ઇન્ડસ્ટ્રીઝને મળ્યો છે. છેલ્લા ત્રણ મહિનાના આંકડા જોઈએ તો તેમાં 18થી 20 ટકા જેટલો ગ્રોથ થતા ઘરેલુ માર્કેટ માટે વિકાસની નવી ક્ષિતિજો ઊભી થઈ છે. 

સાતમ-આઠમમાં પણ એકમોએ વેકેશન ટૂંકાવ્યું હતું . કોરોના ના લીધે મહિનાઓ સુધી ઘરેબેઠા રહ્યા બાદ ગત સાતમ આઠમની રજા માં પણ સૌરાષ્ટ્રના એકમોએ વેકેશન ટૂંકાવી દીધું હતું. એ સમયે ઇન્ડસ્ટ્રીઝની ગાડી પાટા પર ચડી રહી હોવાના પગલે રાજકોટની તમામ ઇન્ડસ્ટ્રીઝ શાપર વેરાવળ, જીઆઇડીસી, મેટોડા, લોઠડા, પીપરાણા સહિત એકમોમાં ચારથી છ દિવસથી જ રજા રાખવામાં આવી હતી.