નવી દિલ્હી

કોરોના મહામારીએ ભારતની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરી હતી જેના કારણે ગયા વર્ષે બે ત્રિમાસિકમાં જીડીપી માઈનસમાં રહ્યુ. જો કે હવે અનલૉક સાથે સ્થિતિ સુધરી રહી છે. આ દરમિયાન ભારતીય રિઝર્વ બેંક(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2021-22 માટે મીડિયાને સંબોધિત કરી. રાહતના સમાચાર એ છે કે આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ કરે, તે 4 ટકા જ રહેશે. આ ઉપરાતં રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા છે. આ બંનેમાં કોઈ ફેરફાર નહિ થવાનો અર્થ છે કે ગ્રાહકોની EMI ના ઘટશે અને ના વધશે.

આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે કોવિડ-19 કેસોમાં હાલમાં જે વધારો થયો છે તેનાથી ઘણા રાજ્યોમાં કડક પ્રતિબંધો લાગુ થઈ રહ્યા છે. આનાથી ઘરેલુ વિકાસના દ્રષ્ટિકોણમાં અનિશ્ચિતતા જોડાય છે. જો કે તમામ પડકારો બાદ પણ 2021-22 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિનુ અનુમાન 10.5% પર યથાવત છે. શક્તિકાંત દાસે જણાવ્યુ કે CPI મુદ્રાસ્ફીતિ માટે પ્રક્ષેપણ 2021ના ચોથા ત્રિમાસિકમાં 5ટકા, 2021-22ના પહેલા અને બીજા ત્રિમાસિકમાં 5.2 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 4.4 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.1 ટકા જોખમ સાથે મોટાભાગે સંતુલિત છે. આ ઉપરાંત રિઝર્વ બેંક પૂરતી તરલતા સાથે બજારનુ સમર્થન કરશે.

વળી, નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિકમાં કેન્દ્રીય બેંક એક લાખ કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદશે. આમાં સરકારી સિક્યોરિટીઝ પ્રોગ્રામ હેઠળ 25,000 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદવામાં આવશે. શક્તિકાંત દાસે ટીએલટીઆરઓ ઑન ટેપ યોજનાને લંબાવીને 30 સપ્ટેમ્બર 2021 કરી દીધી છે. સાથે જ નાબાર્ડ, એનએચબી અને સિડબીને 50,000 કરોડ રૂપિયાની મદદ આપવાનુ એલાન પણ કરવામાં આવ્યુ છે.