શારજાહઃ 

પહેલા એબી ડિવિલિયર્સ (73*)ની દમદાર બેટિંગ અને ત્યારબાદ બોલરોના મજબૂત પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ અહીં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 28મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ને 82 રને પરાજય આપીને મોટો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 194 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 112 રન બનાવી શકી હતી. આ સીઝનમાં રનના અંતરથી આરસીબીનો આ સૌથી મોટો વિજય છે.

આ જીત સાથે આરસીબીની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બેંગલોરે સાત મેચ રમી છે, જેમાં પાંચમાં જીત મેળવી છે. તેના 10 પોઈન્ટ છે. તો કોલકત્તાનો આ સાતમી મેચમાં ત્રીજો પરાજય છે. તે 8 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે.

આરસીબીએ આપેલા 195 રનના લક્ષ્યની શરૂઆત આજે કોલકત્તાની નવી ઓપનિંગ જોડીએ કરી હતી. શુભમન ગિલની સાથે ટોમ બેન્ટન ઈનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. પરંતુ કોલકત્તાનો આ પ્રયોગ નિષ્ફળ રહ્યો અને બેન્ટન (8) રન બનાવી નવદીપ સૈનીની ઓવરમાં બોલ્ડ થયો હતો. કોલકત્તાએ 23 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 51 રનના સ્કોર પર ટીમને બીજો ઝટકો નીતીશ રાણા (9)ના રૂપમાં લાગ્યો હતો. રાણાને વોશિંગટન સુંદરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

ટીમે 55 રનના સ્કોર પર શુભમન ગિલ (34)ના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. ગિલ રનઆઉટ થયો હતો. શુભમને 25 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. દિનેશ કાર્તિક એક રન બનાવી યુજવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. તો ઈયોન મોર્ગન (8)ને વોશિંગટન સુંદરે આઉટ કરીને કેકેઆરને પાંચમો ઝટકો આપ્યો હતો.