વડોદરા, તા.૩

વડોદરાના કારેલીબાગ બહુચરાજી રોડ પર ખાસવાડી સ્મશાન ગૃહના નવીનીકરણની કામગીરી હવે શરૂ કરવામાં આવનાર છે. ત્યારે મૃતક વ્યકિતીના પરિવારજનોને અગ્નિ સંસ્કાર કરવાની સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ વાડી સ્મશાન ગૃહ ખાતે ચાર ચિતાઓની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે સ્વજનોને અંતિમ સંસ્કાર માટે અન્ય સ્મશાનગૃહોનો ઉપયોગ કરવા પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના પ્રયાસો થી ગેલ અને આઈસીએલના સીએસઆર ફંડ માંથી ખાસવાડી સ્મશાનનુ નવીનીકરણ અને બ્યુટીફીકેશન અંદાજે ૧૫ કરોડના ખર્ચે થનાર છે. આ અંગેના નકશાને મંજૂરી બાદ થોડા મહિના પૂર્વેજ કામગીરીનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.હવે ખાસવાડી સ્મશાનના નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસવાડી સ્મશાનમાં બે ગેસ સહિત કુલ ૧૫ ચીતાઓ છે.બ્યુટીફીકેશનની કામગીરીના કારણે સ્મશાનનો હાલનો મુખ્યભાગ સંપૂર્ણ બંધ કરીને નાના બાળકોના સ્મશાનની મોટી જગ્યા છે. ત્યાં હંગામી ચાર ચીતા સુવીઘા માટે ઉભી કરવામાં આવી છે.ત્યારે કોર્પોરેશન દ્વારા અંતિમ સંસ્કાર માટે ખાસવાડી સ્મશાન ગૃહ ઉપરાંત અનુકૂળતા મુજબ વિસ્તાર રામનાથ અને ઠેકરનાથ સ્મશાન ગૃહ,પશ્ચિમ ઝોનમાં જાગનાથ સ્મશાન ગોત્રી વાસણા ગોરવા વડીવાડી વિસ્તાર ઉપરાંત ઉત્તર ઝોન વિસ્તારમાં હરણી, સમા, નિઝામપુરા અને છાણી વિસ્તારમાં સ્મશાન ગૃહની સગવડ છે. એવી જ રીતે દક્ષિણ ઝોન વિસ્તારમાં તરસાલી, મકરપુરા, દંતેશ્વર અને માંજલપુરમાં પણ સ્મશાન ગૃહની વ્યવસ્થા છે. તે સ્મશાન ગૃહનો ઉપયોગ કરવા પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.

ઉલ્લખનિય છે કે, શહેરના સ્મશાનો પૈકી અંતિમ સંસ્કાર માટે લોકો સર્વાધિક ઉપયોગ ખાસવાડી સ્મશાનનો કરે છે.પાલિકાના સૂત્રોએ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રીયન સમાજની વીધી માટેની જગ્યા છે.તે સ્થળ હાલ યથાવત છે. સ્મશાનની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ તે સ્થળે કામગીરી કરવામાં આવશે.