અમદાવાદ, ગુજરાતમાં ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા મતદારોને આપવામાં આવતી મતદાર સ્લીપમાં છબરડાની ઘટના સામે આવી છે. જેના કારણે અમદાવાદનો એક યુવક મતદાનથી વંચિત બન્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચૂંટણી પંચ દ્વારા મતદારો સરળતાથી મતદાન કરી શકે, તેવા આશયથી દરેક મતદારોને બૂથ નંબર, મતદાન સ્થળ સહિતની વિગતો દર્શાવતી મતદારોના ફોટો સાથે સ્લીપ પહોંચાડવામાં આવે છે. જાે કે આ વખતે કોરોના મહામારીને પગલે ચૂંટણીની પ્રક્રિયામાં ફેરફારો કરવામાં આવ્યા છે.

જેમાં ચૂંટણી આયોગની અગાઉની પ્રક્રિયા મુજબ મતદાતાઓની સ્લીપ જે-તે મતદાતાના ઘરે મોકલવામાં આવતી હતી, પરંતુ હવે મતદાતાઓની સ્લીપ એક પણ મતદાતાને મોકલવામાં આવી નથી. કોરોનાની મહામારી વચ્ચે લાખો મતદાતાની સાવચેતીને ધ્યાનમાં રાખતા મોટો ર્નિણય કર્યો છે અને હવે દરેક મતદાતાએ પોતાની સ્લીપ ગુજરાત ચૂંટણી આયોગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું નક્કી કરાયું છે.

જાે કે અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના ઋષિકેશ નગરમાં રહેતા ૨૪ વર્ષના હર્ષ જાેશીની મતદાન સ્લીપમાં મહિલાનું નામ આવતા તેઓ પોતાનો મત આપી શક્યા નથી. હર્ષ જાેશીના ચૂંટણી કાર્ડના નંબર પર કલ્પના મોદી નામની મહિલાનું નામ બોલતા તેઓ મતદાનથી વંચિત રહ્યાં છે. જાે કે હર્ષના માતા-પિતા અને પત્નીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના ૪૮ વોર્ડના ૧૯૨ ઉમેદવારો માટે આજે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સમયે શહેરમાં અનેક ઠેકાણે ઈવીએમ ખોટકાયાની વિગતો સામે આવી રહી છે. બપોરે ૧૨ વાગ્યા સુધી રાજ્યની ૬ મનપા ચૂંટણીમાં સરેરાશ ૧૦.૮૨ ટકા મતદાન થયું છે.