રાજુ સાળુંકે, સુરત : એકાઉન્ટન્સી અને રમત આમ જાેવા જઇએ તો બે આયામોનાં વિરૂદ્ધ છેડાં ગણી શકાય, એકને પકડો તો બીજાે છેડો છુટી જાય પરંતુ સુરતના નવયુવાન દિપક કાબરાએ બંને છેડાંને પોતાની મહેનત અને લગનથી માત્ર સાચવી જ નથી રાખ્યાં પરંતુ બંને આયામો ઉપર સફળતાનાં શિખરો સર કર્યા છે. મુળ રાજસ્થાનના પરંતુ વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલાં દિપક કાબરાએ મહેનત અને લગનથી ઓલિમ્પિકમાં જજ તરીકે ફરજ બજાવવાનું સ્વપ્ન સાકાર કરીને આજની યુવાપેઢી માટે આઇકોન બનવાનું કામ કર્યું છે.

બે યુથ ઓલિમ્પિક અને જીમ્નાસ્ટિકમાં ૨૦ આંતરરાષ્ટ્રીય કોમ્પીટિશનમાં જજ તરીકે ફરજ બજાવી ચુકેલાં દિપક કાબરાને તો ઓલિમ્પિકનું સ્વપ્ન સાકાર કરવું હતું એટલે જીમ્નાસ્ટિક ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા લેવામાં આવતી પરીક્ષા ત્રણવાર આપી, પ્રથમવાર ૨૦૦૯માં પરીક્ષા આપી જેમાં કેટેગરી-૪ મળી, ત્યારબાદ વર્ષ ૨૦૧૩માં કેટેગરી-૩ મળી પરંતુ તે નાસીપાસ થયો નહીં અને ૨૦૧૭ની પરીક્ષામાં કેટેગરી-૨ મળી જેથી ઓલિમ્પિકનો રસ્તો ખુલી ગયો. કેટેગરી-૧ અને કેટેગરી-૨માં પાસ થનાર વ્યક્તિને જ ઓલિમ્પિકની ટીકિટ મળે છે.

અત્યંત મિલનસાર સ્વભાવનાં દિપક કાબરાએ ખુશી અને સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્પોર્ટ્‌સમાં ઓલિમ્પિક સૌથી મોટી ઇવેન્ટ છે જેથી રમતજગતનાં હાઇએસ્ટ લેવરે જજ તરીકે પર્ફોર્મ કરવાની તક મળી છે જે મારા જીવનની સૌથી મોટી તક છે. ભારતમાંથી મેન્સ આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિકમાં જજ તરીકે સૌપ્રથમવાર હું રીપ્રેઝન્ટ કરવાનો હોવાથી મારા આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તો ૨૦ ઇવેન્ટમાં જજ તરીકે ફરજ બજાવી છે પરંતુ ઓલિમ્પિકમાં જજ બનવાનું વર્ષોથી સ્વપ્ન હતું અને તે માટે ઘણી મહેનત કરી છે જે ૧૨ વર્ષે ફળી છે જેથી ખુબ સંતોષ છે. મુંબઇમાં રીલાયન્સ ફાઉન્ડેશનમાં સી.એ. તરીકે જાેબ કરીને પણ સ્પોર્ટ્‌સને પ્રથમ પ્રેમ ગણાવનાર દિપક કાબરા ૧૮મી જુલાઇએ ટોકિયો જવા રવાના થશે પરંતુ તે પહેલાં ઓલિમ્પિક કમિટીની સુચનાને પગલે ૧૧મી જુલાઇએ મુંબઇ જશે અને ફેડરેશને નક્કી કરેલી મુંબઇની લેબોરેટરીમાં સતત સાત દિવસ કોરોનાનો ટેસ્ટ કરાવશે.

દીપક કાબરાની આં.રા. કેરિયર

૨૦૧૦

કોમનવેલ્થ ગેમ્સ, દિલ્હી

૨૦૧૪

એશિયન ગેમ્સ, કોરિયા

૨૦૧૪

યુથ ઓલિમ્પિક્સ, ચીન

૨૦૧૫

વર્લ્‌ડ ચેમ્પિયનશિપ,

ગ્લાસગ્વો, સ્કોટલેન્ડ

૨૦૧૮

કોમનવેલ્થ ગેમ્સ, ઓસ્ટ્રેલિયા

૨૦૧૮

યુથ ઓલિમ્પિક્સ, આજેર્ન્ટિના

હવે પછીનું લક્ષ્યાંક કેટેગરી-૧ મેળવવાની છે ઃ દીપક કાબરા

ઓલિમ્પિકમાં જજ તરીકે પસંદ થવા માટે ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં કેટેગરી-૧ અથવા કેટેગરી-૨ મેળવવી ફરજિયાત છે. વર્ષ ૨૦૧૭માં લેવાયેલી પરીક્ષામાં કેટેગરી-૧ મેળવી હતી પરંતુ હજુ વધારે મહેનત કરીને હવે પછીની પરીક્ષામાં કેટેગરી-૧ મેળવવાનું ટાર્ગેટ હોવાનું દિપક કાબરાએ જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે, ગેમ્સમાં કોચની સાથે સાથે જજીસનું મહત્વ વધવું જાેઇએ, કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ ગેમ્સ માટે વર્કશોપ અને નેશનલ કેમ્પ યોજીને જજીસને પણ બોલાવવા જાેઇએ. જજ દ્વારા અપાતી નાની પરંતુ મહત્વની ટીપ પ્લેયર માટે સંજીવની સાબિત થઇ શકે છે.

સુરત સહિત ગુજરાતમાં હાઇક્વોલિટીનાં સાધનો જ નથી

જીમ્નાસ્ટિકમાં ભારતનું પર્ફોર્મન્સ સારૂ નથી તેની પાછળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. જીમ્નાસ્ટિકમાં ઘણા સારા પ્લેયર્સ છે જે મહેનત તો કરે છે પરંતુ સારી ગુણવત્તાનાં સાધનો ઉપલબ્ધ નહીં હોવાથી આ પ્લેયર્સ આંતરરાષ્ટ્રીય પ્લેયર્સનો મુકાબલો કરી શકતાં નથી. સુરત સહિત ગુજરાતમાં હાઇક્વોલિટીનાં સાધનો જ નથી.- દીપક કાબરા, જજ, ટોકિયો ઓલિમ્પિક

પ્લેયર તરીકે સાત વખત નેશનલ ચેમ્પિયન બન્યા

દિપક કાબરાનું સ્વપ્ન આમ તો પ્લેયર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવવાની અને ઓલિમ્પિકમાં ભાગ લેવાની હતી. પ્લેયર તરીકે સાતવખત નેશનલ ચેમ્પિયન બનનાર દિપક કાબરા ૨૦૦૬માં જુનિયર જયદીપસિંહ બારિયા એવોર્ડ પણ મેળવી ચુક્યાં છે. જાે કે, પ્લેયર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાં નહીં મળતાં હાર નહીં માનનાર દિપક કાબરાએ જજ બનીને ઓલિમ્પિકનું સ્વપ્ન સાકાર કર્યું છે.