નવી દિલ્હી 

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વ કેપ્ટન અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુબઈથી તેમના શહેર રાંચી પરત આવી ગયા છે. IPLમાંથી સુપર કિંગ્સ બહાર થયા બાદ તેઓ રાંચીના માર્ગો પર બાઈકિંગનો આનંદ માણી રહ્યા છે. સોમવારે તેઓ યામાહાની તેમની સૌથી જૂની બાઈકથી રાંચીના રિંગ રોડ પર ફરતા દેખાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ધોની CSKના સાથી ખેલાડી મોનૂ સિંહ સાથે બે નવેમ્બરના રોજ અબૂધાબીથી રાંચી પરત ફર્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોનીને બાઈકનો ખૂબ જ શોખ છે. તેમની પાસે મોંઘા બાઈક્સનું કલેક્શન છે. તેઓ અવાર-નવાર બાઈક લઈ રાંચીના માર્ગો પર નિકળે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ સોમવારે પહેલી વખત ધોની બાઈક લઈ રાંચીના માર્ગો પર નિકળ્યા હતા. તેઓ રિંગ રોડ સ્થિત સિમલિયા સ્થિત તેમના નિવાસ સ્થાનથી જ અન્યત્ર જઈ રહ્યા હતા.

IPLની ફાઈનલ રમત મંગળવારે રમાશે. ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ પ્લે ઓફ સુધી પણ પહોંચી શકી ન હતી. ફાઈનલ સુધી રોકાવાને બદલે ધોની રાંચી પરત આવી ગયો છે. જ્યારે રાંચીથી ઝારખંડ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે ભૂતપુર્વ અધ્યક્ષ અમિતાભ ચૌધરી અને અજય શાહદેવ વિશેષ આમંત્રણ પર મેચ જોવા દુબઈ ગયા છે.