સુરત,તા.૨૫ 

હજીરાની આઈઓસીએલ કંપનીમાંથી રવાના કરવામાં આવતા ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાના કૌભાંડનો ગઈકાલે સચીન જીઆઈડીસી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસની તપાસમાં ડીઝલ ચોરીમાં ડ્રાઈવરની સાથે ટ્રાન્સપોર્ટના ટેન્કર માલીકનો જ હાથ હોવાનુ બહાર આવ્યું છે, પોલીસે ટેન્કર માલીકને રંગેહાથે ઝડપી પાડ્‌યો હતો જયારે પોલીસને જાઈને ડ્રાઈવર ભાગી છુટ્યો હતો. બનાવ અંગે પોલીસે કંપનીના ઓફિસરની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

વેસુ શિખર રેસીડેન્સીની સામે ક્રિષ્ણા રેસીડેન્સીમાં રહેતા યોગેશકુમાર કિશનલાલ કાલાવત (ઉ.વ.૨૨) હજીરા રોડ ઈચ્છાપોર કવાસ રોડ ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ કંપનીમાં ઓફીસર તરીકે નોકરી કરે છે, આઈઓસીએલ કંપની દ્વારા અમન ટ્રાન્સપોર્ટ કંપનીને કોન્ટકટ આપવામાં આવ્યો છે આ ટ્રાન્સપોર્ટ કંપનીના ટેન્કરો મારફતે જુદીજુદી જ્ગ્યાએ લો સલફર હાઈ ફ્‌લેસ ડીઝલ હજીરા ખાતે આવેલ આઈએસઓમાંથી ભરી મોકલવામાં આવી છે. ગત તારીખ ૨૩મીના રોજ સાંજે ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં ૧૨૦૦૦ લીટર ડીઝલ ભરાવી રવાના કરવામાં આવ્યો હતો. જાકે રાત્રીના સુમારે સચીન પોલીસ દ્વારા શાલીમાર માધવબાગ પાર્ક પાસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા એકને ઝડપી પાડ્‌યો હતો. ઝડપાયેલા યુવકે પોતાનું નામ મુતાર નાઝીર શેખ (રહે,ઉન) હોવાની સાથે ટેન્કર આઈઓસીએલનું હોવાનુ બહાર આવ્યું હતું.